નળસરોવર ખાતે વિશ્વ જલપ્લાવિત દિવસની ઉજવણી, પ્રાકૃતિક ખેતી અને સમુદાય ભાગીદારીથી વેટલેન્ડ સંરક્ષણનો સંદેશ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે વન્યજીવ વિભાગ, સાણંદ દ્વારા તારીખ 2 ફેબ્રુઆરીના રોજ વિશ્વ જલપ્લાવિત દિવસની પ્રેરણાદાયી અને અર્થસભર ઉજવણી કરવામાં આવી હતી. નાયબ વન સંરક્ષક (DCF), સાણંદના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જલપ્લાવિત વિસ્તારોના સંરક્ષણ, જૈવ વૈવિધ્યની જાળવણી અને ટકાઉ વિકાસ માટે સ્થાનિક સમુદાય, ખેડૂતો તથા હિતધારકોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ડો. સક્કિરા બેગમ (IFS), નાયબ વન સંરક્ષક, વન્યજીવ વિભાગ-સાણંદ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે આસપાસના ગામોના સરપંચો, ઇકો-સેન્સિટિવ ઝોનના ગામોની ઇકો-ડેવલપમેન્ટ કમિટી (EDC)ના પ્રમુખો, સ્થાનિક આગેવાનો તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત 200થી વધુ લોકો હાજર રહ્યા હતા.
અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા ડો. સક્કિરા બેગમે જલપ્લાવિત વિસ્તારોનું પર્યાવરણીય, સાંસ્કૃતિક અને આર્થિક મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વેટલેન્ડ્સ માત્ર પક્ષીઓ અને વન્યજીવો માટે જ નહીં, પરંતુ માનવ જીવન, પાણી સંચય, ભૂગર્ભ જળસ્તર અને હવામાન સંતુલન માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. જલપ્લાવિત વિસ્તારોનું સંરક્ષણ ભવિષ્યની પેઢી માટે આવશ્યક હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
આ પ્રસંગે SEFના ડિરેક્ટર જાનકીબેન તૈલીએ વિશેષ જાગૃતિ સત્રમાં વેટલેન્ડ સંરક્ષણના વૈજ્ઞાનિક, પર્યાવરણીય અને વૈશ્વિક પરિપ્રેક્ષ્ય પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સમજાવ્યું હતું કે અણિયંત્રિત વિકાસ, પ્રદૂષણ અને રાસાયણિક ખેતીના કારણે જલપ્લાવિત વિસ્તારો પર ગંભીર જોખમ ઊભું થયું છે, જેને અટકાવવા સમુદાય આધારિત પ્રયાસો અનિવાર્ય છે.
બપોર બાદ આયોજિત વિશેષ સત્રમાં 150થી વધુ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ધરતી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રોગ્રામ મેનેજર કલ્પેશભાઈ મિસ્ત્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે રાસાયણિક ખાતરો અને કીટનાશકોના દૂષ્પ્રભાવોની ચર્ચા કરીને પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી તરફ વળવા આહ્વાન કર્યું હતું.
આ સત્ર દરમિયાન ખીચા ગામના પ્રગતિશીલ ખેડૂત કાશીરામભાઈ, વેકરીયાના રહીમભાઈ અને દેવથળના ઈશ્વરભાઈએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. તેમણે રાસાયણિક ખાતર વિના ખેતી કરીને જમીનની ઉર્વરતા જાળવી રાખવાની સાથે આવકમાં પણ વધારો કેવી રીતે થયો તે અંગે જીવંત ઉદાહરણો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જલપ્લાવિત વિસ્તારોમાં ટકાઉ ખેતી મોડલ અપનાવી પર્યાવરણ અને આજીવિકા બંનેને સુરક્ષિત રાખી શકાય છે.
કાર્યક્રમ દરમિયાન મેહુલ ફાઉન્ડેશન દ્વારા રાસાયણિક ખાતરો અને પ્રદૂષણથી જમીન તથા જળ પર થતી ઘાતક અસરો દર્શાવતું અસરકારક નાટક રજૂ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિતોએ ભારે પ્રશંસા કરી હતી. નાટક દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ સરળ અને અસરકારક રીતે પહોંચાડવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે નાયબ વન સંરક્ષકે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ માટે સંકલ્પ લેવા અપીલ કરી હતી. તમામ ઉપસ્થિતોએ ‘લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ’ (LiFE) મિશન અંતર્ગત પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવાનો શપથ લીધો હતો. વન વિભાગ દ્વારા યોગ્ય કચરા વ્યવસ્થાપન માટે ડસ્ટબિનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર ઉજવણી દ્વારા નળસરોવર ખાતે જલપ્લાવિત વિસ્તારોના સંરક્ષણમાં સ્થાનિક સમુદાય અને ખેડૂતોની ભૂમિકા વધુ મજબૂત બની હતી અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ વ્યાપક રીતે પ્રસર્યો હતો.










