AHAVADANGGUJARAT

ડાંગના બરમ્યાવડ પ્રાથમિક શાળાનાં મકાનનો નબળો સ્લેબ અને તિરાડવાળા બીમથી વાલીઓમાં ચિંતા..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં બરમ્યાવડ ગામમાં શિક્ષણનાં ધામ ગણાતી પ્રાથમિક શાળાના નવા મકાન અને કમ્પાઉન્ડ વોલના નિર્માણમાં ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.જેના પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ઈજારદાર દ્વારા કરવામાં આવેલું બાંધકામ અત્યંત નબળી ગુણવત્તાનું હોવાનું સપાટી પર આવ્યું છે.ગ્રામજનોના જણાવ્યા અનુસાર, શાળાના મકાનનો પ્રથમ સ્લેબ એટલી હદે જોખમી છે કે તે કોઈપણ ક્ષણે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.સ્લેબના બીમમાં અત્યારથી જ મોટી તિરાડો જોવા મળી રહી છે, જે આખા માળખાની મજબૂતી સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરે છે.બાંધકામની પોકળતા ત્યારે છતી થઈ જ્યારે સ્થાનિકોએ સ્લેબના બીમ પર સામાન્ય સળિયા વડે પ્રહાર કર્યો, જેના પરિણામે બીમના પોપડા ઉખડીને નીચે પડવા લાગ્યા અને અંદરનું સ્ટીલ બહાર દેખાવા લાગ્યું હતું. આ નબળા બાંધકામ પાછળનું મુખ્ય કારણ ઈજારદાર દ્વારા હલકી ગુણવત્તાના સિમેન્ટનો વપરાશ અને રેતીના બદલે માત્ર ગ્રીટનો ઉપયોગ હોવાનું માનવામાં આવે છે. વધુમાં, કોંક્રિટના કામ પછી જરૂરી એવા પાણીના છંટકાવ (ક્યોરિંગ) ની પ્રક્રિયામાં પણ બેદરકારી રાખવામાં આવી હોવાનું જણાય છે. સ્લેબ નમી જવાની ઘટનાએ સરકારના કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા પ્રોજેક્ટની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા છે.આ સમગ્ર મામલે એસ.એસ.એ. (SSA) વિભાગના એન્જિનિયરની ભૂમિકા સામે પણ આંગળી ચીંધવામાં આવી રહી છે. યોગ્ય સુપરવિઝનના અભાવે એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગ્રામજનોને ડર છે કે જો આ મકાનનું લોકાર્પણ કરી દેવામાં આવશે, તો ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટશે તો નિર્દોષ બાળકોના જીવ જોખમમાં મુકાશે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, લોકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ મકાનનું લેબ ટેસ્ટિંગ કરવામાં આવે, જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આ જોખમી બાંધકામ હટાવી ફરીથી મજબૂત અને ગુણવત્તાયુક્ત શાળાનું નિર્માણ કરવામાં આવે.. બોક્ષ-(1)એચ.બી.પટેલ -નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડાંગ-આ બાબતે ડાંગ જિલ્લાનાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.બી. પટેલે જણાવ્યું હતુ કે બરમ્યાવડ ગામે પ્રાથમિક શાળાનાં બાંધકામમાં ઈજારદાર દ્વારા નિમ્નકક્ષાનું બાંધકામ કર્યુ હશે તો ચલાવી લેવામાં આવશે નહી.આદિવાસી બાળકોની સુરક્ષા સાથે ચેડા કરનાર એજન્સી સામે હાલમાં જ તપાસનાં આદેશો આપુ છું..બોક્ષ-(2)વિજયભાઈ દેશમુખ-પ્રાથમિક શિક્ષણ અધિકારી ડાંગ-આ બાબતે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિજયભાઈ દેશમુખે જણાવ્યું હતુ કે હાલમાં જ હું ટી.પી.ઓ સહીત એસ.એસ.એ વિભાગનાં કર્મચારીઓને ચેકીંગ માટે મોકલુ છું. જો ખરાબ બાંધકામ કરાયુ હોય તો એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે.બાળકોની પાયાની સુવિધાઓ સાથે ચેડા કરનારાઓની શેહ શરમ રાખવામાં આવશે નહી..

Back to top button
error: Content is protected !!