
વિજાપુર રામબાગ ખાતે લખવારા સમાજનો ચોથો સમૂહ લગ્નોત્સવ ઐતિહાસિક રીતે સંપન્ન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
શ્રી હિન્દુ લખવારા – લખારા સમાજ ૨૨ પટ્ટી (ગુજરાત) દ્વારા વિજાપુરના રામબાગ ખાતે ચોથો સમૂહ લગ્નોત્સવ અત્યંત ભવ્ય, શિસ્તબદ્ધ અને સમાજને ગૌરવ અપાવે તે રીતે યોજાયો હતો. સમગ્ર રામબાગ વિસ્તાર ઉત્સવમય વાતાવરણથી ઝગમગી ઉઠ્યો હતો. પરંપરાગત વરઘોડા, વૈદિક મંત્રોચ્ચાર, ઢોલ-નગારા અને સમાજબાંધવોની ઉમંગભરી હાજરીએ કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો.
આ સમૂહ લગ્નોત્સવનું આયોજન ૨૨ પટ્ટી કમિટી દ્વારા સુચિત આયોજન અને જવાબદારીપૂર્વક કરવામાં આવ્યું હતું. સ્વાગત, લગ્નવિધિ, ભોજન તથા અન્ય તમામ વ્યવસ્થાઓ સુવ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં આવી હતી. ગુજરાત તેમજ રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમાજબાંધવો ઉપસ્થિત રહ્યા હતા, જે સમાજની એકતા, સંગઠન શક્તિ અને સામૂહિક ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું.
પ્રસંગે મુખ્ય સરક્ષક લખવારા છગનજીએ સમાજમાં વધતા ભાગેડું લગ્ન જેવી સામાજિક સમસ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે સમાજની શિસ્ત, સંસ્કૃતિ અને એકતા જળવાઈ રહે તે હેતુસર આવનાર સમયમાં સમાજ દ્વારા કડક નિયમો અને વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવશે.
સમૂહ લગ્નોત્સવ અંતર્ગત સમાજના દાતાઓનું વિશેષ સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો. સમાજના વિકાસ અને સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે આર્થિક તેમજ સેવારૂપી સહયોગ આપનાર તમામ દાતાઓને મંચ પર બોલાવી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના દ્વારા સેવા અને દાનની ભાવનાને પ્રોત્સાહન મળ્યું હતું.





