KHERGAMNAVSARI

પીપલગભાણમાં શ્રી એમ.જી. વશી સાર્વજનિક હાઈસ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

પીપલગભાણ વિભાગ કેળવણી ટ્રસ્ટ, પીપલગભાણ સંચાલિત શ્રી એમ.જી. વશી સાર્વજનિક હાઈસ્કૂલ, પીપલગભાણ ખાતે વાર્ષિક ઇનામ વિતરણ સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી દર્શનકુમાર બી. દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી. વર્ષ 2024–25 દરમ્યાન શૈક્ષણિક ક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર કુલ 26 વિદ્યાર્થીઓને 18 રોકડ પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વર્ષ 2025–26 દરમ્યાન શાળાની વિવિધ આંતરિક સ્પર્ધાઓમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય કક્ષાની ‘રંગોત્સવ સેલિબ્રેશન ડ્રોઈંગ સ્પર્ધા’ (મુંબઈ)માં મેડલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી ગૌરવવામાં આવ્યા હતા.રમત-ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ વર્ષ દરમિયાન વિવિધ બાહ્ય પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પણ ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે આચાર્યશ્રી દર્શનભાઈ બી. દેસાઈએ તમામ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તથા વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના શિક્ષકશ્રી ઉમેશભાઈ આહિરે કર્યું હતું. અંતે કાર્યક્રમમાં સહયોગ આપનાર સમગ્ર શાળા પરિવારનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!