MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકામાં ઘટતી દીકરીઓના જન્મદર સામે આરોગ્ય તંત્રની સક્રિય પહેલ લઘુ શિબિર, મહિલા મિટિંગ અને સાસુ-વહુ સંમેલનથી જનજાગૃતિનો વ્યાપક પ્રયાસ

વિજાપુર તાલુકામાં ઘટતી દીકરીઓના જન્મદર સામે આરોગ્ય તંત્રની સક્રિય પહેલ
લઘુ શિબિર, મહિલા મિટિંગ અને સાસુ-વહુ સંમેલનથી જનજાગૃતિનો વ્યાપક પ્રયાસ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા દ્વારા માનનીય કલેક્ટર શ્રી એસ. કે. પટેલ, માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. હસરત જેસ્મીન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભરતભાઈ સોલંકી તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વિજાપુર તાલુકામાં દીકરીના જન્મનું પ્રમાણ વધે તે માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
વિજાપુર તાલુકાના પામોલ, ગવાડા, ગેરીતા, ખનુસા, કેલિસના, વસઈ, ધનપુરા, લાડોલ, હાથીપુરા, માધી, ચાગોદ, સુંદરપુર, રામપુર કોટ, પિલવાઇ, ફતેપુરા, આનંદપુરા (કુ.), ઉબખલ, દગાવાડિયા, મોરવાડ, મંડાલી, કમાલપુર, મલાવ સહિતના ગામોમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન દીકરીઓના જન્મનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટ્યું હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે.
આ અભિયાન અંતર્ગત લઘુ શિબિર, મહિલા મિટિંગ, જૂથ ચર્ચા તથા સાસુ-વહુ સંમેલન જેવા કાર્યક્રમો યોજી જનસમુદાયમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. “દીકરી અને દીકરો એક સમાન છે”, “દીકરી નથી સાપનો ભાર, દીકરી છે તુલસીનો ક્યારો” તથા “ભણેલી દીકરી પિયર અને સાસરી બંનેનું ઘર ઉજાળે છે” જેવા સંદેશાઓ દ્વારા સમાજમાં સકારાત્મક માનસિકતા વિકસાવવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન પી.સી.પી.એન.ડી.ટી. એક્ટ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને સ્ત્રીભ્રૂણ હત્યા કાયદેસર ગુનો હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું. સાથે જ દીકરી કે દીકરાના જન્મ માટે માત્ર પુરુષ જ જવાબદાર હોય છે, તે અંગે લોકોમાં યોગ્ય સમજ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
આગામી સમયમાં ગામના સરપંચ, ગ્રામ પંચાયત સભ્યો, ગ્રામ્ય સંજીવની સમિતિ તથા સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સાથે સંકલન કરી દીકરીઓના જન્મદર વધે તે માટે જનસમુદાયમાં વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવશે, તેમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!