
જનભાગીદારીથી આરોગ્ય સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા પર ભાર
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જિલ્લા આરોગ્ય તંત્રના માર્ગદર્શન હેઠળ વિજાપુર તાલુકા હેલ્થ કચેરી હોલ ખાતે નગરપાલિકા પ્રમુખ કામિનીબેન પટેલના અધ્યક્ષસ્થાને જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રવીણભાઈ પટેલ તથા આર.સી.એચ.ઓ. ડૉ. વિજયભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં નગરપાલિકા ઉપપ્રમુખ બીનાબેન પટેલ, કોર્પોરેટરો તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ચેતન પ્રજાપતિએ શહેરી વિસ્તારમાં ઉપલબ્ધ વિવિધ આરોગ્ય સેવાઓ છેવાડાના નાગરિકો સુધી અસરકારક રીતે પહોંચે અને લોકોનું આરોગ્ય સ્તર વધુ ઊંચું આવે તે માટેની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રવીણભાઈ પટેલે આરોગ્ય વિભાગના તમામ કાર્યક્રમોને સફળ બનાવવા માટે જનભાગીદારી અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પામોલના મેડિકલ ઓફિસર ડૉ. સુભાષ પટેલે જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ (JSSK), નમો શ્રી યોજના, પીએમ માતૃ વંદના યોજના (PMMVY) તેમજ એનસીડી (NCD) કાર્યક્રમ સહિત વિવિધ સરકારી આરોગ્ય યોજનાઓ અંગે માહિતી આપી હતી.
તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણે આયુષ્યમાન સારથી વોટ્સએપ ચેટબોટ (7290823838) અંગે માહિતી આપતા જણાવ્યું કે આ નંબર દ્વારા ઘરે બેઠાં આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ, હોસ્પિટલની માહિતી, કેવાયસી, કાર્ડનું બેલેન્સ, ફરિયાદ-ફીડબેક તથા 70 વર્ષથી વધુ વયના લાભાર્થીઓના પીએમ-જય કાર્ડ જેવી સેવાઓ સરળતાથી મેળવી શકાય છે.
કાર્યક્રમ દરમિયાન ગામ અને શહેરોમાં સ્વચ્છતા જાળવવા, પાણીજન્ય રોગોથી બચવા ક્લોરીનેશન, લીકેજ પાઈપલાઈનનું સમારકામ, ઉભરાતી ગટરોની સફાઈ તેમજ મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી બચવા બંધિયાર પાણીમાં બળેલું ઓઈલ અને મોટા હોજ-હવાડામાં ગપ્પી માછલીઓ છોડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચાંદીપુર વાયરસ અંગે સાવચેતી, સ્મોક-ફ્રી વિલેજ અભિયાન અને તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003 અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત ઓછા લિંગાનુપાત ધરાવતા ગામોમાં દીકરીના જન્મની ઉજવણી કરવા તેમજ દીકરીના માતા-પિતાનું સન્માન કરવાની અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોર્પોરેટરોએ પોતાના વોર્ડને નિરામય બનાવવા માટે હાથ ધરાયેલા પ્રયાસોની માહિતી આપી હતી.
અંતે તાલુકા હેલ્થ સુપરવાઈઝર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.



