ARAVALLIGUJARATMODASA

બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પહેલ ,અરવલ્લી જિલ્લામાં “ આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” હેઠળ ૧૦૬૧ આંગણવાડી કેન્દ્રોનો થશે કાયાકલ્પ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પહેલ ,અરવલ્લી જિલ્લામાં “ આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” હેઠળ ૧૦૬૧ આંગણવાડી કેન્દ્રોનો થશે કાયાકલ્પ

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રોને વધુ સુદ્રઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવાના હેતુથી ૧૬ જાન્યુઆરીથી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૯૬ આંગણવાડી કેન્દ્રોમાં સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જયારે ૭૬૫ કેન્દ્રોમાં નવીનીકરણની પ્રક્રિયા હાલ પ્રગતિ હેઠળ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રી તથા કમિશ્નરશ્રીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અને પોષણ માટે આકર્ષક વાતાવરણ પૂરું પાડવાનો છે. જિલ્લામાં કાર્યરત કુલ ૧૪૫૦ આંગણવાડી કેન્દ્રો પૈકી ૧૧૦૭ કેન્દ્રો પોતાના મકાન ધરાવે છે.જેમાંથી ૧૦૬૧ આંગણવાડી કેન્દ્રોને આ ઝુંબેશ હેઠળ આવરી લેવા માટે પાત્ર ગણવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં રંગકામ, નાના-મોટા સમારકામ, અંદર-બહારની સ્વચ્છતા અને સૌંદર્યીકરણની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. આ ઝુંબેશમાં સરકારી ગ્રાન્ટ ઉપરાંત લોકભાગીદારી ફંડનો પણ સકારાત્મક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે,જેથી આંગણવાડીઓનું ભૌતિક માળખું વધુ મજબૂત બને

આ કામગીરીની વિગતો આપતા આઈ.સી.ડી.એસ વિભાગે જણાવ્યું હતું કે, નાના સમારકામ માટે ફાળવવામાં આવેલી રૂ. ૮,૫૦૦ની ગ્રાન્ટ હેઠળ અત્યાર સુધીમાં ૨૮૪ આંગણવાડીઓમાં કામ પૂર્ણ થયું છે અને ૭૧૬ કેન્દ્રોમાં કામ ચાલુ છે. જયારે મોટા સમારકામ અને મેઈન્ટેનન્સ માટેની રૂ. ૨.૦૦ લાખની ગ્રાન્ટ હેઠળ ૧૨ કેન્દ્રોમાં કામગીરી પૂર્ણ થઈ છે અને ૪૯ કેન્દ્રોમાં રીનોવેશન ચાલી રહ્યું છે.આ ઝુંબેશ માત્ર મરામત પુરતી સીમિત નથી, પરંતુ તેમાં પીવાનું શુદ્ધ પાણી, શૌચાલયની સુવિધા, આકર્ષક વોલ પેઈન્ટિંગ અને પોષણ વાટિકા જેવા ૨૫ જેટલા વિવિધ માપદંડોને ધ્યાને લેવામાં આવ્યા છે.અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દીપેશ કેડિયા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શિલ્પાબેન ડામોરના સીધા માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રનો નિર્ધાર છે કે નિર્ધારિત સમયમર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરી જિલ્લાના બાળકોને સુસજ્જ, સુરક્ષિત અને સુવિધાયુક્ત આંગણવાડી કેન્દ્રોની ભેટ આપવામાં આવે, જેથી ICDS અંતર્ગત મળતી આરોગ્ય,પોષણ અને શિક્ષણની સેવાઓ વધુ અસરકારક બની શકે.

 

Back to top button
error: Content is protected !!