થરાદની નગરપાલિકા વિસ્તારમાં તંત્રનો બેવડો માપદંડ? ગરીબની લારી પર જેસીબી, પણ મોટા માથાઓને મોકળું મેદાન!

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ નગરની મુખ્ય બજારમાં દબાણકારો ફરી બેફામ બનતા જોવા મળી રહ્યા છે. થોડા સમય પહેલાં નગરપાલિકાએ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ હટાવાયેલા દબાણો હવે ફરીથી પાકા બની જતાં પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
બજારમાં દુકાનોની આગળ લારીઓ, ગલ્લા અને કાયમી શેડો ઉભા થઈ જતા રસ્તાઓ સાંકડા બન્યા છે. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં ચર્ચા છે કે પાલિકાની નજર હેઠળ જ ખુલ્લેઆમ દબાણો થઈ રહ્યા છે. દબાણકારોમાં પાલિકાનો ડર ન હોવાને કારણે દરરોજ નવા દબાણો ઊભા થઈ રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે.
એક બાજુ પહેલેથી જ સાંકડી બજાર અને બીજી બાજુ વધતા દબાણોને કારણે વાહન વ્યવહાર અને પેદલ ચાલનારાઓને ભારે મુશ્કેલી પડી રહી છે. આગ જેવી આફત કે ઇમરજન્સી સ્થિતિ સર્જાય તો મોટી દુર્ઘટનાની શક્યતા નકારી શકાય તેમ નથી.
સ્થાનિકોમાં એવી પણ શંકા વ્યક્ત થઈ રહી છે કે પાલિકાની દબાણ હટાવવાની કામગીરી માત્ર દેખાવ પૂરતી તો નથી ને? અમુક નાના વેપારીઓ સામે કાર્યવાહી થાય છે, પરંતુ મોટા દબાણકારો સામે પગલાં કેમ લેવામાં આવતા નથી — તે મુદ્દે પણ સવાલો ઉઠી રહ્યા છે.
હવે જોવું રહ્યું કે નગરપાલિકા વાસ્તવમાં કડક પગલાં ભરે છે કે પછી બજારમાં દબાણકારોનું આ બેફામ રાજ યથાવત રહે છે




