મોરબી મહાનગરપાલિકા દ્વારા વાંચન પ્રેમીઓ માટે ભવ્ય બુક ફેર ‘પુસ્તકોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું

મોરબી: શહેરી વિકાસ વર્ષ અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા વાંચન પ્રેમીઓ માટે ભવ્ય બુક ફેર ‘પુસ્તકોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આજે તારીખ 7 ફેબ્રુઆરીના રોજ મોરબીના મણી મંદિરના પટાંગણમાં રાણી બાગ ખાતે આ બુક ફેરને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બુક ફેર 7 થી 11 ફેબ્રુઆરી સુધી સવારે 10 થી રાતના 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. જેમાં વાચકો માટે વિવિધ વિષયોના 20 હજારથી વધુ પુસ્તકો મળી રહેશે.
આ અંગે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્રિલ ખરેએ જણાવ્યું હતું કે, આજે મહાનગરપાલિકા આયોજિત પ્રથમ બુકફેરનું મણીમંદિરના પટાંગણમાં રાણી બાગ ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું. આ ઉદઘાટન પ્રસંગે ચારેક શાળાના બાળકો પણ જોડાયા હતા. આ બુકફેરનો લાભ મોટી સંખ્યામાં મોરબી વાસીઓ લે તેવી અપીલ છે. આ બુક ફેરમાં બાળ સાહિત્ય, હિન્દુ, ગુજરાતી અને અંગ્રેજી સાહિત્ય સહિતના સાહિત્યો વાચકોને મળી રહેશે. આ બુક ફેરમાં 20 હજારથી વધુ પુસ્તકો રાખવામાં આવ્યા છે. 5 જેટલા પ્રકાશનો પણ આ બુક ફેરમાં જોડાયા છે. પાંચ દિવસ ચાલનારા આ બુક ફેરમાં વધુ ને વધુ લોકો લાભ લે તેવી અપીલ કરાઈ છે.












