જૂનાગઢ ભાજપમાં ‘ભડકો’ : પાયાના કાર્યકરોનું લોહી ચૂસતા નેતાઓ સામે ખુલ્લો બળવો – “શહેરને જેસીબીએ નહીં, પુનિત શર્માએ ખોદી નાખ્યું છે”

જૂનાગઢ : ભારતીય જનતા પાર્ટીમાં ચાલતું ‘સેટિંગ’ અને ‘વ્હાલા-દવલા’નું ગંદુ રાજકારણ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. વર્ષો સુધી પક્ષ માટે ઘસાઈ ગયેલા પાયાના કાર્યકરોને કચરાની જેમ ફેંકી દઈ, માત્ર ચમચાગીરી કરનારાઓને હોદ્દા લૂંટાવતી જૂનાગઢ ભાજપની નેતાગીરી સામે યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોષીએ ખુલ્લો બળવો પોકાર્યો છે. તેમણે શહેરની બદતર હાલત માટે સીધેસીધા પૂર્વ શહેર પ્રમુખ અને વર્તમાન નેતાગીરીને જવાબદાર ઠેરવી સનસનીખેજ આક્ષેપો કર્યા છે.
તેજસ જોષીનો ‘વિસ્ફોટ’: જૂનાગઢ ભાજપના ‘પાપ’ છાપરે ચડીને પોકાર્યા
“શહેરનો સત્યાનાશ વાળી દીધો”: તેજસ જોષીએ અત્યંત આક્રમક રીતે કહ્યું હતું કે, “જૂનાગઢને કોઈ જેસીબીએ નથી ખોદ્યું, પણ પુનિત શર્માએ ખોદી નાખ્યું છે.” ૨૦૨૧થી સત્તામાં બેઠેલા શાસકોએ ભ્રષ્ટાચારની તમામ હદ વટાવી દીધી છે. નરેન્દ્ર મોદી સાહેબ કરોડોની ગ્રાન્ટ મોકલે છે, પણ સ્થાનિક નેતાઓ તે ગ્રાન્ટ ચાઉં કરી જાય છે અને પ્રજા ખાડામાં મરે છે.
હોદ્દો જોઈએ છે? તો નેતાઓના ઘરના કામ કરો!ભાજપના સંગઠનમાં વિચારધારાનું ખૂન થઈ રહ્યું હોવાનો ગંભીર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, હવે સંગઠનમાં હોદ્દા તેને જ મળે છે જે નેતાઓના “ઘરના કપડાં ઇસ્ત્રી કરાવવા જાય” કે તેમની ગુલામી કરે. જે સાચા કાર્યકરો છે, જેણે ૧૮-૧૮ વર્ષ પક્ષને આપ્યા છે, તેમને હાસિયામાં ધકેલી દેવાયા છે. નવી ટીમમાં માત્ર નેતાઓના સગા-સંબંધીઓ અને મળતિયાઓને જ ગોઠવી દેવાયા છે.
બ્લેકમેલરોને રેડ કાર્પેટ: પક્ષની ગરિમા લજવાય તેવી વાત કરતા તેમણે કહ્યું કે, જે લોકો પક્ષ વિરુદ્ધ આરટીઆઈ (RTI) કરે છે કે નેતાઓને દબાવે છે, તેમને બંધ બારણે મિટિંગો કરીને હોદ્દા આપી દેવાય છે. જ્યારે ઈમાનદાર કાર્યકર પક્ષને વફાદાર રહીને પણ અપમાનિત થાય છે.
“ખોટા કેસથી ડરતો નથી, જેલ જવા તૈયાર છું”: જૂનાગઢમાં ભયનું સામ્રાજ્ય હોવાનો ઈશારો કરતા તેજસભાઈએ કહ્યું કે, કાર્યકરોને ખોટા કેસ કરી દેવાની ધમકીઓ આપી ચૂપ રાખવામાં આવે છે. પણ હવે પાણી માથા પરથી ગયું છે. “ખોટા કેસ કરવા હોય તો કરો, હું જેલ જવા તૈયાર છું પણ હવે સત્ય બોલવાનું બંધ નહીં કરું.”





