ગીરમાં પ્રવાસીઓને મળશે વધુ ગુણવત્તાસભર માર્ગદર્શન : સાસણ-ગીર વન્યપ્રાણી વિભાગ દ્વારા આયોજિત ચાર દિવસીય ‘નેચર ગાઇડ વર્કશોપ’ સફળતાપૂર્વક સંપન્ન
નેચર ગાઇડ એકેડેમીના તજજ્ઞો દ્વારા ગીર અને દેવાળિયાના ૧૬૫ ઇકો-ગાઇડ્સને અપાઈ વિશેષ તાલીમ

નેચર ગાઇડ એકેડેમીના તજજ્ઞો દ્વારા ગીર અને દેવાળિયાના ૧૬૫ ઇકો-ગાઇડ્સને અપાઈ વિશેષ તાલીમ
સ્ટોરી ટેલિંગ, સંવાદ કૌશલ્ય અને જવાબદાર ઇકો-ટુરિઝમ જેવા વિષયો પર પ્રેક્ટિકલ માર્ગદર્શન અપાયું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ





ઇન્ડોર સત્રો અને ફિલ્ડ પ્રવૃત્તિઓ દ્વારા અપાઈ તાલીમ
ચાર દિવસીય વર્કશોપ દરમિયાન વિવિધ ઇન્ડોર સત્રો, સમૂહ ચર્ચાઓ, પ્રસ્તુતિઓ અને ફિલ્ડ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. જેમાં પ્રવાસીઓ સાથે અસરકારક સંવાદ સાધવાની કળા (Communication Skills), સ્ટોરી ટેલિંગ (વાર્તા કહેવાની કળા), પ્રકૃતિ અવલોકન અને ગીરના સમૃદ્ધ જૈવવૈવિધ્યને રસપ્રદ રીતે રજૂ કરવાની પદ્ધતિઓ વિશે તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, એક વ્યવસાયિક નેચર ગાઇડ તરીકેની ભૂમિકા અને જવાબદાર ઇકો-ટુરિઝમ (Responsible Eco-Tourism) અંગે પણ ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.
મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર વિતરણ
વર્કશોપના સમાપન સમારંભમાં તાલીમ મેળવનાર તમામ ઇકો-ગાઇડ્સે પોતાના ચાર દિવસના પ્રેરણાદાયી અનુભવો શેર કર્યા હતા. ત્યારબાદ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર તમામ ગાઇડ્સને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આયોજન
આ સમગ્ર વર્કશોપનું આયોજન વન્યપ્રાણી વિભાગ, સાસણ-ગીરના નાયબ વન સંરક્ષક (DCF) શ્રી અગ્નીશ્વર વ્યાસ (ભા.વ.સે.)ના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે મદદનીશ વન સંરક્ષકશ્રી (ACF) તેમજ સ્વાગતિ રેન્જ, અભયારણ્ય રેન્જ અને ગેસ્ટહાઉસ રેન્જના પરીક્ષેત્ર વન અધિકારીઓ (RFO) એ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં સાસણ-ગીરની સ્થાનિક હોટેલો અને રિસોર્ટ તરફથી પણ ખૂબ સારો સાથ-સહકાર સાંપડ્યો હતો.
આ તાલીમ વર્કશોપ થકી સ્થાનિક ઇકો-ગાઇડ્સની વ્યાવસાયિક ક્ષમતાનો ઉત્કૃષ્ટ વિકાસ થશે, જેનાથી ગીરમાં આવતા વન્યજીવ પ્રેમીઓ અને પ્રવાસીઓનો અનુભવ વધુ યાદગાર બનશે તેમજ વન્યપ્રાણી સંરક્ષણની જનજાગૃતિને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.







