MORBIMORBI CITY / TALUKO

મહાનગરપાલિકાની હદમાં થઈ રહેલ મંજૂરી વગરના બાંધકામને સીલ કરવામાં કોની કોની લાજ કાઢે છે?

 

મહાનગરપાલિકાની હદમાં થઈ રહેલ મંજૂરી વગરના બાંધકામને સીલ કરવામાં મહાનગરપાલિકા કોની કોની લાજ કાઢે છે? બીજી બે જગ્યાએ સીલ કર્યા અહીંયા કેમ નહીં? ઉઠેલો સવાલ!

 

(શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્ય સમાચાર મોરબી)

મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકા નો દરજ્જો મળ્યા પછી શહેરીજનોને એમ લાગતું હતું કે હવે મંજૂરી વગરના બાંધકામો બંધ થઈ જશે! સરકારી જમીનના દબાણો દૂર થશે! પણ એક વર્ષમાં લોકોનો વિશ્વાસ ઉડી ગયો છે તેવી હકીકતો સામે આવી છે. મચ્છુ નદીના પટમાં ગરીબ લોકોના ઝુંપડા હતા તે દબાણો દૂર કરાવ્યા પણ બાર નાલા સુધીના નદીના પટમાં બાંધકામ નું વેસ્ટ મટીરીયલ નાખીને નદી નાં પટ માં દબાણો કરવામાં આવ્યા છે તે અને પાકી દિવાલના દબાણો દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે. અને હવે તો નદીના દબાણો દૂર કરવાની જવાબદારી સિંચાઈ વિભાગની છે તેમ અરજદારને જણાવીને જવાબદારીમાંથી છટકી ગયા હોય તેવું જાણવા મળ્યું છે. ત્યારે મોરબી શહેરના વજેપર સર્વે નંબર ૯૪૮/૧ પૈકી ૩ ત પૈકી ૧ જે જમીન સંયુક્ત ખાતાની છે. છતાં તેમાં સંયુક્ત ખાતાના ખાતેદારોની સહમતિ લીધા વગર તેમ જ બિનખેતી કરાવ્યા વગર અને બાંધકામની મંજૂરી લીધા વગર બહુમાળી મકાનનું બાંધકામ થઈ રહ્યું છે તે બંધ કરાવવા સ્થાનિક નાગરિક ભુરજી પરસોત્તમ ડાભીએ મહાનગરપાલિકામાં તારીખ ૨૬-૫-૨૦૨૫ નાં રોજ અરજી ઇનવર્ડ કરાવી છે જેને આઠ-આઠ મહિના જેવો સમય થયો છે છતાં હજુ બાંધકામોને સીલ કર્યું નથી.. તેવો અરજદારનો આક્રોશ છે અને હજી વધુ એક રજૂઆત મહાનગરપાલિકામાં કરવાની તૈયારી કરી છે. ત્યારે સવાલ એ ઉભો થયો છે કે કાં તો વ્હાલા દવલા ની નીતિથી મહાનગરપાલિકા કામ કરે છે કાં તો ગેરકાનૂની રીતે વહીવટ લઈ લેતા હોય તેમ આવા કેટલાક બાંધકામો અવિરત ચાલી રહ્યા છે તેને કોઈ રોક ટોક નથી. વ્હાલા દવલા ની નીતિ ન હોય કે ગેરકાનૂની રીતે વહીવટ લેવાતો ન હોય તો આ મંજૂરી વગરના બાંધકામને સીલ કરવામાં કોની લાજ કાઢો છો? તેવો આક્રોશ સાથે સવાલ ઉભો થયો છે. આ બાંધકામ બાબતે ખુદ કમિશ્નર શ્રી તટસ્થ નિર્ણય કરીને આ મંજૂરી વગરનું બાંધકામ સીલ કરવા નો હુકમ કરે તેવી માંગણી થઈ છે. જોઈએ આ બિન અધિકૃત બાંધકામ સીલ થાય છે કે નહીં? તે આવનારો સમય કહેશે!

Back to top button
error: Content is protected !!