શિક્ષણ જગતને લાંછન: 8 થી વધુ વિદ્યાર્થિનીની આચાર્ય સામે છેડતીની ફરિયાદ

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના સડલા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય વિદ્યાર્થીનીઓની છેડતી કરતા હોવાના આક્ષેપ સાથે વાલીઓ અને ગ્રામજનોએ શાળાએ એકત્ર થઈ હોબાળો મચાવ્યો હતો. પાટડી પોલીસને આ અંગેની જાણ કરાતા પોલીસ સ્થળ પરથી આચાર્યને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને આ વિશે વધુ તપાસ હાથ ધરી છે.
દસાડા તાલુકાની સડવા પ્રાથમિક શાળામાં છેલ્લા 8-10 વર્ષથી ફરજ બજાવતા આચાર્ય હરીશકુમાર પ્રજાપતિ દ્વારા શાળામાં અભ્યાસ કરતી અલગ-અલગ ધોરણની વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વાલીઓ આચાર્ય પર આોપ લગાવી શાળાએ એકઠા થયા હતા અને શાળાએ હોબાળો મચાવ્યો હતો.
ભોગ બનનાર વાલીઓના જણાવ્યા મુજબ, આચાર્ય દ્વારા ધોરણ-6 થી 8માં અભ્યાસ કરતી અંદાજે 8 થી વધુ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરવામાં આવી છે. તેમજ આ અંગે વિદ્યાર્થીનીઓ જો ઘરે વાલીને જાણ કરશે તો નાપાસ કરવાની અને સ્કૂલમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે.
જ્યારે વાલીઓ દ્વારા શાળામાં હોબાળો કરવામાં આવ્યો અને પોલીસને આ બાબતની જાણ થતાં તે તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. પાટડી પોલીસ દ્વારા આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. અહીં પણ મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત લોકોના ટોળાં પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા હતા. લોકો આચાર્ય સામે કડક કાર્યવાહી અન્ય શાળામાં બદલી કરાવવાની માંગ કરી રહ્યા છે.



