
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૨૧ જુલાઈ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ–કચ્છના તમામ સંવર્ગ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી, ભુજ- કચ્છ ને વસ્તી ગણતરી–૨૦૨૭ અંતર્ગત શિક્ષકો દ્વારા ઉનાળુ વેકેશન તેમજ રવિવાર અને જાહેર રજાના દિવસોમાં બજાવવામાં આવેલી કામગીરી બદલ ગુજરાત મુલકી સેવા (રજા) નિયમો મુજબ મળવાપાત્ર વળતર રજા અંગે સમગ્ર કચ્છ જિલ્લામાં એકસમાન અને નિયમબદ્ધ અમલ થાય તે માટે પરિપત્ર બહાર પાડવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆતમાં જણાવાયું છે કે કચ્છ જિલ્લાના વિવિધ સંવર્ગના શિક્ષકોએ ગણતરીદાર, સુપરવાઇઝર તેમજ અન્ય જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. આ કામગીરી દરમિયાન અનેક શિક્ષકોએ ઉનાળુ વેકેશન ઉપરાંત શાળાઓ શરૂ થયા બાદ પણ રવિવાર તથા જાહેર રજાના દિવસોમાં ફરજ બજાવી હતી. ગુજરાત મુલકી સેવા (રજા) નિયમો, ૨૦૦૨ના નિયમ–૪૬ તથા નિયમ–૫૦ મુજબ આવી કામગીરી બદલ વળતર રજા મળવાપાત્ર હોવા છતાં વિવિધ તાલુકાઓમાં અમલમાં અસમાનતા જોવા મળતી હોવાથી શિક્ષકોમાં મૂંઝવણની સ્થિતિ ઊભી થઈ રહી છે.
મહાસંઘે જિલ્લા કલેક્ટરને વિનંતી કરી છે કે સમગ્ર કચ્છ જિલ્લામાં એકસમાન માર્ગદર્શિકા જાહેર કરી સંબંધિત તમામ અધિકારીઓને નિયમ મુજબ શિક્ષકોને વળતર રજા મંજૂર કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવે, જેથી શિક્ષકોના કાયદેસર હક્કોનું રક્ષણ થઈ શકે અને જિલ્લામાં એકરૂપ અમલ સુનિશ્ચિત બને.
આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય પ્રતિનિધિ રામસંગજી જાડેજા, પ્રાથમિક સરકારી પ્રાંત મંત્રી રમેશભાઈ ગાગલ, HTAT રાજ્ય મંત્રી અમરાભાઈ રબારી, જિલ્લા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા, મહામંત્રી મયુરભાઈ પટેલ, સરકારી ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા, સરકારી માધ્યમિક અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ જાડેજા, માધ્યમિક ગ્રાન્ટેડ મહામંત્રી ચેતનભાઈ લાખાણી, ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ મહિલા ઉપાધ્યક્ષ ડૉ. દીનાબેન જોબનપુત્રા તથા જિલ્લા ઉપાધ્યક્ષ બળવંતભાઈ છાંગા ઉપસ્થિત રહ્યા હતા, એવું માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઇ જાની ની યાદીમાં જણાવાયેલ હતું.




