AHAVADANGGUJARAT

ચિખલી પ્રેરણા ગ્રુપ અને સહ્યાદ્રી ડાંગ માઉન્ટેનિયરિંગ એન્ડ એડવેન્ચર એસોસિએશન ચિરાપાડા દ્વારા અનાજ કીટનું વિતરણ કરાયુ..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

તાજેતરમાં સામાજિક ઉત્તરદાયિત્વનાં ભાગરૂપે ચિખલી પ્રેરણા ગ્રુપ અને સહ્યાદ્રી ડાંગ માઉન્ટેનિયરિંગ એન્ડ એડવેન્ચર એસોસિએશન, ચિરાપાડાનાં સંયુક્ત ઉપક્રમે એક સુંદર સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ અંતર્ગત ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂરી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.સેવા અને સાહસનો સંગમ

એક તરફ ‘પ્રેરણા ગ્રુપ’ની સેવા કરવાની ધગશ અને બીજી તરફ ‘સહ્યાદ્રી ડાંગ એસોસિએશન’નું પહાડો જેવું સાહસ – આ બંનેના સમન્વયથી ડાંગ જિલ્લાનાં નવ ગામો, જેમ કે શામગહાન, ભુરાપાણી, ભાપખલ, રાનપાડા, બારીપાડા, ચિરાપાડા, મહારાઈચોંડ, બોરીગાંવઠા અને ચિખલી ખાતે નિરાધાર, વૃદ્ધ, અપંગ અને વિધવા સહિતના 90થી વધુ જરૂરિયાતમંદ વ્યક્તિઓને એક મહિના સુધી પૂરતું રહે તેવું અનાજ કીટ (દાળ, ચોખા, લોટ, તેલ) તેમજ બિસ્કિટનું નિસ્વાર્થ વિતરણ કરવામાં આવ્યુ.કીટ પ્રાપ્ત કરનાર વૃદ્ધોના ચહેરા પરનો હરખ અને બાળકોની મુસ્કાન આ સેવાકાર્યની સફળતાની જીવંત સાક્ષી બની હતી.આ કાર્યક્રમનું આયોજન ચિરાપાડા પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં ચિખલી રિધમ ફાર્મ તથા ભદરપાડા શાળાના નિવૃત્ત શિક્ષક કિશોરભાઈ પટેલ, સ્થાનિક યુવા સામાજિક આગેવાન નીતિનભાઈ રાઉત, બારીપાડા પંચાયતના સરપંચ સોનુભાઈ ચૌર્યા, ભાપખલ પંચાયતના ઉપસરપંચ ગોપાળભાઈ બંગાળ, પર્વતારોહક ભોવાનભાઈ રાઠોડ,સામાજિક આગેવાન કોંજુભાઈ ગાવિત તેમજ પ્રેરણા ગ્રુપ ચિખલી (જિ. નવસારી) અને સહ્યાદ્રી ડાંગ માઉન્ટેનિયરિંગ એન્ડ એડવેન્ચર એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સ્વયંસેવકોએ જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ્ય માત્ર સામગ્રી આપવાનો નથી, પરંતુ જરૂરિયાતમંદ ભાઈઓ-બહેનોને એ અહેસાસ કરાવવાનો છે કે તેઓ એકલા નથી – આખો સમાજ તેમની સાથે છે.”આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી સહાય પહોંચાડવાનો અને સમાજમાં સેવાની જ્યોત પ્રગટાવવાનો હતો. પહાડોની વચ્ચે વસતા પરિવારોના ચહેરા પરનું સ્મિત જ અમારી સાચી કમાણી છે – આવા ઉમદા વિચારો સાથે પ્રેરણા ગ્રુપ ચિખલી અને સહ્યાદ્રી ડાંગ એસોસિએશનના સભ્યોએ ભારે ઉત્સાહપૂર્વક જોડાઈને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે..

Back to top button
error: Content is protected !!