JUNAGADH CITY / TALUKO

જૂનાગઢના ભવનાથ મહાદેવના હવે થશે લાઈવ દર્શન : નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ વેબસાઈટ લોન્ચ કરી

મહાશિવરાત્રી મેળામાં પધારતા ભાવિકોને પવિત્રતા અને સ્વચ્છતા જાળવવા નાયબ મુખ્યમંત્રીશ્રીનો વિશેષ અનુરોધ

ઉતારા મંડળોની ભોજન સેવા બદલ રાજ્ય સરકાર વતી આભાર વ્યક્ત કરતાશ્રી હર્ષ સંઘવી
​મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મેળાનું ભવ્ય આયોજન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ​ભવનાથની પવિત્ર ગિરનાર તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીના મેળાના પાવન પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ ભવનાથ મંદિરની સત્તાવાર વેબસાઈટ લોન્ચ કરી છે. આ સુવિધાને કારણે હવે દેશ-વિદેશમાં વસતા લાખો શ્રદ્ધાળુઓ ઘરબેઠા ભવનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે.
​ભવનાથ પ્રવેશ દ્વાર પાસે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ ‘હર હર મહાદેવ’ના નાદ સાથે જણાવ્યું હતું કે, “લાખો શિવભક્તોના ‘ઓમ નમઃ શિવાય’ના જયઘોષથી સમગ્ર તળેટીનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. સાધુ-સંતોની ભવ્ય રવેડી અને નગર પ્રવેશના દ્રશ્યો ખરેખર ઐતિહાસિક છે.”

સ્વચ્છતા એ જ સાચી ભક્તિ
​શ્રી હર્ષ સંઘવીએ મેળામાં આવતા ભાવિકોને ગિરનારની પવિત્રતા જાળવવા અને સ્વચ્છતા રાખવા માટે ભાવુક અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “કચરો ગમે ત્યાં ફેંકવાથી ભગવાન ભવનાથના દર્શન સાર્થક નહીં થાય. યાત્રાધામોની પવિત્રતા જાળવવી એ આપણા સૌની જવાબદારી છે.”

સેવા અને આયોજનની સરાહના
​મેળા દરમિયાન આવતા શ્રદ્ધાળુઓ માટે ભોજન અને આશ્રયની વ્યવસ્થા કરતા ઉતારા મંડળોની કામગીરીને બિરદાવતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર વતી તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રએ મેળાને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે પ્રશંસનીય જહેમત ઉઠાવી છે.

સાંસ્કૃતિક સંગમ
​આ પ્રસંગે લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવીની પ્રસ્તુતિને તેમણે બિરદાવી હતી અને સુપ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુરનું ગુજરાતની ધરતી પર ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
​આ કાર્યક્રમમાં જૂનાગઢના મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સર્વશ્રી સંજયભાઈ કોરડીયા, ભગવાનજીભાઈ કરગટીયા, દેવાભાઈ માલમ તેમજ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા અને મ્યુનિસિપલ કમિશનર શ્રી તેજસ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!