GUJARATKHERGAMNAVSARI

ઘેજ ખાતે ૨ વર્ષ બાદ ટ્રાઈબલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, વિજેતા ટીમને સંવિધાનની બુક અર્પણ

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ઘેજ: વાંઝરી ફળિયા સાંઢપાડા ક્રિકેટ મેદાન ખાતે બે વર્ષના લાંબા ગાળાથી સ્થગિત રહેલી ટ્રાઈબલ ક્રિકેટ ટુર્નામેન્ટ તા. ૧૧/૦૨/૨૦૨૬ના રોજ સફળતાપૂર્વક યોજાઈ હતી. ટુર્નામેન્ટના પુનઃઆયોજનથી આદિવાસી સમાજમાં ખુશીની લહેર જોવા મળી હતી.ગામના સરપંચ શ્રી રાકેશભાઈ તેમજ પોલીસ પ્રશાસનના DYSP શ્રી ભગીરથ ગોહિલ (ચીખલી), PI શ્રી પિનલ ચૌધરી (ખેરગામ પોલીસ સ્ટેશન) અને સમાજના આગેવાનોના સહકારથી ગામમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર વાંઝરી ફળિયા અને ખુશાલ ફળિયા વચ્ચે ચાલી રહેલા વિવાદનું સુખદ સમાધાન થયું હતું. સમાધાન બાદ સૌના સહકારથી ટ્રાઈબલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. ટુર્નામેન્ટમાં ગામની કુલ ૧૧ ટીમોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી રાકેશભાઈ, ગ્રામ સભાના અધ્યક્ષ શ્રી રમેશભાઈ (ખાંભડા), તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશભાઈ (મોટી ઢોલ ડુંગરી), મુકેશભાઈ (તીઘરા), હિરેનભાઈ (પીઠા), પત્રકાર શ્રી શૈલેશભાઈ (ઉનાઈ), પત્રકાર દીપકભાઈ (ખેરગામ), પત્રકાર ચંપકભાઈ (ભુંડવાળા), એડવોકેટ મિતેશભાઈ (ખેરગામ) તેમજ ગામના વડીલો, ભાઈઓ-બહેનો, યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.રોમાંચક ફાઈનલ મેચમાં નવાનગરની ટીમ વિજેતા બની હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશભાઈ દ્વારા વિજેતા ટીમને ભારતના સંવિધાનની બુક ભેટરૂપે અર્પણ કરવામાં આવી હતી. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, “આ સંવિધાનથી જ દેશ ચાલે છે. સંવિધાનથી કોઈ મોટું નથી. દરેક નાગરિકે સંવિધાનનો માન અને પાલન કરવું જોઈએ.” યુવાનોમાં સંવિધાન પ્રત્યે જાગૃતિ ફેલાય તે હેતુથી આ અનોખી પહેલ કરવામાં આવી હતી.યુવાઓએ આ ટ્રાઈબલ ક્રિકેટ ટુર્નામેન્ટને ઐતિહાસિક અને યાદગાર બનાવતા ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ટુર્નામેન્ટના સફળ આયોજન માટે રાકેશ પટેલ, અંકિત પટેલ અને જીગર પટેલે વિશેષ મહેનત કરી હતી.

Back to top button
error: Content is protected !!