GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘ઔષધીય વનસ્પતિ ઉદ્યાન વિસ્તરણ અને પ્રાકૃતિક ખેતી પ્રકલ્પ’નો શુભારંભ

તા.૧૨/૨/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સિંદૂરનો છોડ રોપ્યો

યુવાનોને ‘દરેક જન્મદિવસે એક વૃક્ષ વાવવા’ રાજ્યપાલશ્રીનો અનુરોધ

Rajkot: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બાયોસાયન્સ ભવન દ્વારા નવનિર્મિત બોટનિકલ ગાર્ડનમાં ‘ઔષધીય વનસ્પતિ ઉદ્યાન વિસ્તરણ અને પ્રાકૃતિક ખેતી પ્રકલ્પ’નો શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે રાજ્યપાલશ્રીએ સિંદૂરના છોડનું રોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલશ્રીએ ગાર્ડનમાં નિર્માણ પામેલા પોન્ડ (તળાવ) અને ગ્લાસ હાઉસની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા ઉગાડવામાં આવેલા વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું હતું. પર્યાવરણ જતન, જૈવવિવિધતા સંરક્ષણ અને ગૌ-આધારિત કૃષિને પ્રોત્સાહન આપવા બદલ તેમણે વિભાગના વડા, પ્રોફેસરશ્રીઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્યપાલશ્રીએ ઉપસ્થિતોને સંબોધતાં જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ પોતાના જન્મદિવસે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની સંભાળ લેવી જોઈએ અને આગામી જન્મદિવસ સુધી તેનો ઉછેર કરવો જોઈએ. આથી પર્યાવરણ રક્ષણમાં આપણાં સૌની જનભાગીદારી મજબૂત બનશે.

વિદ્યાર્થીઓ દ્વારા ગ્લાસ હાઉસમાં બાયો એન્ઝાઇમ ફર્ટિલાઇઝર, હર્બલ સિરમ-શેમ્પૂ, ઓર્ગેનિક માઇક્રો ગ્રીન્સ અને ઓર્ગેનિક ઓઇસ્ટર મશરૂમ જેવા પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા, જેને રાજ્યપાલશ્રીએ રસપૂર્વક નિહાળ્યા અને માહિતી મેળવી હતી.

આ પ્રસંગે બહેડા, ફાલસા, જંગલી બદામ, જાસુદ, પીલુડી, મીઠો લીમડો, શેતૂર, સિંદૂરી, અર્જુન, સાદડ, બીલી, રાયણ, ગરમાળો, ખાખરો, કરમદા, પારસ પીપળો, ગુગળ, ફણસ, કરંજ, નીલગિરી સહિત વિવિધ પ્રજાતિના વૃક્ષોનું મહાનુભાવો અને વિદ્યાર્થીઓ દ્વારા વાવેતર કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ઉત્પલ જોશી, બાયોસાયન્સ વિભાગના અધ્યક્ષ ડૉ. રમેશ કોઠારી, એસોસિયેટ પ્રોફેસર ડૉ. સંદીપ ચોવટિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સુરેશ ચોવટિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. જિજ્ઞા ટાંક, ડૉ. મિત્તલ કનેરીયા, અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!