ENTERTAINMENT

E4U એન્ટરટેઈનમેન્ટ દ્વારા બે ધમાકેદાર ફિલ્મો ‘વાટ લાગી’ અને ‘ચોર નંબર-1’ ના ટાઈટલનું અનાવરણ

અમદાવાદ: ગુજરાતી સિનેમા જ્યારે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે E4U એન્ટરટેઈનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું અને મનોરંજક કન્ટેન્ટ લાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. પ્રોડક્શન હાઉસ E4U એન્ટરટેઈનમેન્ટ દ્વારા Ambigramy અને ડિવાઈન જેવા પ્રતિષ્ઠિત પ્રોડક્શન હાઉસના સહયોગથી નવા પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. આ આગામી ફિલ્મો અંગે E4U એન્ટરટેઈનમેન્ટ તરફથી અમિત વેડાવાલા અને નિલેશ મોદી, Ambigramy તરફથી પ્રેમલ ત્રિવેદી અને શ્રીકાંત જાની, તેમજ ડિવાઇન તરફથી અમરીશ ભીમાણી અને નિલેશ પટેલ જેવા અનુભવી પ્રોડ્યુસર્સે વિસ્તૃત માહિતી આપી હતી. તેમના દ્વારા પ્રથમ બે ફિલ્મો ‘વાટ લાગી’ અને ‘ચોર નંબર-1’ ના ટાઈટલનું સત્તાવાર અનાવરણ કરવામાં આવ્યું છે, જેનું શૂટિંગ આ જ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શરૂ થવા જઈ રહ્યું છે.
E4U એન્ટરટેઈનમેન્ટની ફિલ્મોની મુખ્ય વિશેષતા એ છે કે દરેક ફિલ્મ એક નવી વાર્તા અને અલગ સ્ટાઈલ સાથે પ્રેક્ષકો સમક્ષ રજૂ થશે. પ્રોડક્શન હાઉસનો મુખ્ય ઉદ્દેશ્ય દર્શકોને એવું નિર્ભેળ મનોરંજન પૂરું પાડવાનો છે જે સંપૂર્ણ પરિવાર એકસાથે બેસીને માણી શકે. આ ફિલ્મો માત્ર ગુજરાતના થિયેટરો પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પડદે રિલીઝ કરવાની અને લોકપ્રિય OTT પ્લેટફોર્મ્સ પર લાવવાની પણ મજબૂત યોજના છે, જેથી વૈશ્વિક ફલક પર ગુજરાતી સિનેમાનો વ્યાપ વધારી શકાય. આ ઉપરાંત, E4U એન્ટરટેઇન્મેન્ટ પ્યોર ટેલેન્ટમાં વિશ્વાસ ધરાવે છે, જેના કારણે નવી પ્રતિભાઓ, કલાકારો અને ટેકનિશિયનોને પોતાની ક્ષમતા સાબિત કરવા માટે આ પ્રોડક્શન હાઉસ એક આશાનું કિરણ સાબિત થશે.
આગામી પ્રોજેક્ટ્સમાં ‘વાટ લાગી’ ફિલ્મ એક ‘કોમેડી સસ્પેન્સ થ્રિલર’ છે, જેનું નિર્દેશન પાર્થ શુક્લા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ભવ્ય ગાંધી, જીનલ બેલાણી, દીપ વૈદ્ય, ઓમ ભટ્ટ અને પ્રેમ ગઢવી જેવા પ્રતિભાશાળી કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને પ્રેક્ષકો આગામી ઓક્ટોબર-નવેમ્બર મહિનાની આસપાસ તેને સિનેમાઘરોમાં જોઈ શકશે. બીજી તરફ, ‘ચોર નંબર-1’ ફિલ્મ એક રમૂજી વાર્તા સાથે સામાજિક સંદેશ પણ આપે છે, જેમાં ઓફિસના ત્રણ કર્મચારીઓ તેમના મેનેજરથી બદલો લેવા માટે જે ચોરી કરે છે અને ત્યારબાદ એક રાતમાં તેમની સાથે જે ઘટનાઓ બને છે તે દર્શાવવામાં આવી છે. રાકેશ શાહ દ્વારા લિખિત અને નિર્દેશિત આ ફિલ્મમાં શ્રેય મારડીયા, અર્ચન ત્રિવેદી, આંચલ શાહ અને અન્ય કલાકારો જોવા મળશે, જેનું સંગીત મૌલિક મહેતાએ આપ્યું છે અને તે મે 2026 માં રિલીઝ કરવાનું આયોજન છે.

Back to top button
error: Content is protected !!