Rajkot: મારે જીવવું નથી મને મારવા દો.. આત્મહત્યા કરવા જતી યુવતીને ૧૮૧ અભયમ ટીમે જીવનનું મહત્વ સમજાવ્યું

તા.૧૩/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: પ્રવર્તમાન સમયમાં નાની નાની સમસ્યાના કારણે યુવાધન જીવનથી કંટાળી આત્મહત્યાનો પ્રયાશ કરતા જોવા મળે છે. જીવન અમૂલ્ય છે, જે સમજ કેળવવી જરૂરી છે. જરૂર પડ્યે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન આ પ્રકારના કિસ્સામાં ખુબ મદદરૂપ બની રહી છે. જેનો એક કિસ્સો હાલમાં જોવા મળ્યો છે.
તાજેતરમાં અભયમ હેલ્પ લાઈન પર એક જાગૃત નાગરિક દ્વારા કોલ આવેલ કે એક અજાણી યુવતી પુલ પરથી આત્મહત્યા કરવા જાય છે. કોલ આવતા ની સાથે જ બી. ડિવિઝન પોલીસ સ્ટેશન સ્થિત અભયમ વાનના કાઉન્સેલર શ્રી કૃપાલીબેન ત્રિવેદી, મહિલા કોન્સ્ટેબલ શ્રી ઋત્વિકાબેન રાઠોડ,પાયલોટ શ્રી વિશ્વાસભાઈ સહિતની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળ પર પહોંચી ગયેલી.
એ દરમ્યાન યુવતીને જાગૃત નાગરિકે યુવતીને પુલ પરથી નીચે સલામત ઉતારી લીધેલ હતી. અભયમ ટીમ યુવતીને મળતા તેણીએ જણાવ્યું હતું કે હવે મારે જીવવું નથી. મને મરવા દયો નું રટણ કરતી હતી. ટીમ દ્વારા યુવતીને સાંત્વના આપીને તેની આપવીતી સાંભળી હતી. યુવતીએ જણાવ્યું હતું કે, ‘તેની તબિયત સારી રહેતી નથી. દવા લેવા આવેલ પરતું ઘરમાંથી ભાઈ કે મમી પપ્પા સહકાર આપતા નથી. મને ઘરની બહાર નીકળવા ના દે અને ભાઈઓને જ સારી રીતે રાખે. હું કંઈ તેમના માટે છું જ નહી’. પરિવાર માટે મારે શું કામ જીવવું તેમ યુવતીએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું.
ત્યારબાદ ટીમ દ્વારા યુવતીના પપ્પાનો ટેલિફોનીક સંપર્ક કરી તેમને ઘટના સ્થળ પર બોલાવ્યા હતા. ટીમ દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરતા યુવતીના પિતાએ કહ્યું હતું કે, ‘હું બાપ તરીકે એવો અન્યાય રાખતો નથી બાળકો પર, પરતું મને જણાવે તો કોઈ રસ્તો નીકળે.’ લાંબી સમજાવટ બાદ યુવતી તેમજ તેમના પપ્પા અને ભાઈ ને સમજાવી ઘરે જવા તૈયાર કરવામાં આવ્યાં. યુવતીને તેમના પરિવારજનોને સોંપી જરૂર પડ્યે મદદરૂપ બનવા પણ અભયમ ટીમ દ્વારા દિલાસો આપવામાં આવ્યો હતો. યુવતીનું માનસ પરિવર્તન કરાવવા બદલ પરિવાર દ્વારા અભયમ ટીમ તેમજ બચાવનાર જાગૃત નાગરિકનો આભાર માન્યો હતો.




