બોડેલીની શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ, નવજીવન હાઈસ્કૂલ તેમજ બોડેલી કન્યા શાળા ખાતે “માતૃ પિતૃ પૂજન” કાર્યક્રમનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શાળા પરિસરમાં શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કારનો અદભુત સમન્વય જોવા મળ્યો હતો.
ભારતીય સંસ્કૃતિમાં “માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ” ના મંત્રને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. કહેવાય છે કે ભગવાન ગણેશજીએ માતા-પિતાની પ્રદક્ષિણા કરીને સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ પ્રાપ્ત કર્યું હતું. એ જ પરંપરાને જીવંત રાખવાના હેતુસર વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
શિરોલાવાલા હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગ ખાતે બોડેલી ગાયત્રી પરિવારની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી માતૃ પિતૃ પૂજન કરાવવામાં આવ્યું હતું, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું.
આ પ્રસંગે શાળા પ્રમુખ ભાવેશભાઈ શિરોલાવાલા તેમજ ગાયત્રી પરિવારના નિરંજનભાઈ ભગત, શર્મિષ્ઠાબેન ભગત સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને સંબોધન કરતા માતા-પિતાના આશીર્વાદનું જીવનમાં મહત્વ સમજાવવામાં આવ્યું અને સંસ્કારપૂર્ણ શિક્ષણ જ બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે તેવી વાત પર ભાર મુકાયો હતો.
નવજીવન હાઈસ્કૂલના આચાર્ય એકનાથ જાદવ અને કન્યા શાળાના આચાર્ય સંદીપભાઈ જયસ્વાલે પણ જણાવ્યું હતું કે શિક્ષણ સાથે સંસ્કારનું સંકલન જરૂરી છે અને માતા-પિતાની સેવા એ જ સાચી ઈશ્વર ભક્તિ છે.
કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ માતા-પિતાનું તિલક કરી, પુષ્પાંજલિ અર્પણ કરી આશીર્વાદ લીધા ત્યારે વાલીઓની આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા. આ ભાવુક દ્રશ્યો એ સાબિત કરતા હતા કે નવી પેઢીમાં આજે પણ ભારતીય સંસ્કાર અને સંવેદનાઓ અકબંધ છે.
રિપોર્ટર તોસીફ ખત્રી
«
Prev
1
/
145
Next
»
નસવાડીમાં ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકર ની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી.