JUNAGADH CITY / TALUKO

ભવનાથમાં કીર્તિ પટેલના સ્નાન મામલે સંતોમાં બે ફાંટા; મૃગીકુંડની મર્યાદા ભંગ બદલ વધુ એક ફરિયાદ

બજરંગદાસ બાપુનો હરિહરાનંદ ભારતી પર ગંભીર આક્ષેપ: "કીર્તિને કોના કહેવાથી શાહી સ્નાનમાં પ્રવેશ મળ્યો? દીક્ષા આપી હોય તો પુરાવા આપો"

બજરંગદાસ બાપુનો હરિહરાનંદ ભારતી પર ગંભીર આક્ષેપ: “કીર્તિને કોના કહેવાથી શાહી સ્નાનમાં પ્રવેશ મળ્યો? દીક્ષા આપી હોય તો પુરાવા આપો”
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
​જૂનાગઢ : ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન વિવાદોમાં રહેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે પોલીસે વધુ એક ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભવનાથના પવિત્ર મૃગીકુંડમાં સાધુના વેશમાં સ્નાન કરી સાધુ-સંતોની વર્ષો જૂની પરંપરા અને આસ્થાને ઠેસ પહોંચાડવા બદલ પ્રભાસ પાટણના ખોડિયાર નિરાલી આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ ફરિયાદ નોંધાવી છે.

બજરંગદાસ બાપુનો સનસનીખેજ આક્ષેપ : બજરંગદાસ બાપુએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મૃગીકુંડમાં માત્ર સાધુ-સંતોને જ સ્નાનનો અધિકાર છે, તો કીર્તિ પટેલને ત્યાં પ્રવેશ કોણે અપાવ્યો? તેમણે હરિહરાનંદ ભારતી અને ઇન્દ્રભારતી બાપુ સામે ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે, “જો કીર્તિ પટેલને દીક્ષા આપવામાં આવી હોય તો તેના પુરાવા જાહેર કરવામાં આવે.” તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે કેટલાક રાજકારણીઓ અને સંતોના પીઠબળને કારણે કીર્તિ પટેલની હિંમત વધી રહી છે, જે સનાતન ધર્મની પરંપરા માટે જોખમી છે.

હરિહરાનંદ બાપુનો બચાવ : બીજી તરફ, આ વિવાદમાં હરિહરાનંદ બાપુએ કીર્તિ પટેલનો બચાવ કરતા જણાવ્યું છે કે સ્નાન કરવામાં કંઈ ખોટું નથી. તેમણે સ્પષ્ટતા કરી કે કીર્તિને માત્ર ‘મંત્ર દીક્ષા’ આપવામાં આવી છે અને તેને સારા માર્ગે વાળવાનો પ્રયાસ છે. આ વિવાદ માત્ર અંગત અદાવતને કારણે ઉભો કરવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

બે દિવસમાં બીજી FIR : નોંધનીય છે કે કીર્તિ પટેલ સામે બે દિવસમાં આ બીજી ફરિયાદ છે. અગાઉ મહિલા પોલીસ અધિકારી સાથે અભદ્ર વર્તન અને ફરજમાં રૂકાવટ બદલ ગુનો નોંધાયો હતો. હાલમાં કીર્તિ પટેલ પોલીસ પકડથી દૂર હોવાથી ભવનાથ પોલીસે તેને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો રવાના કરી છે. આગામી સમયમાં આ વિવાદને પગલે જૂનાગઢના સાધુ-સંતોના આંતરિક વહીવટમાં મોટા ફેરફારો અને વિવાદો થવાની શક્યતા જોવા મળી રહી છે.

Back to top button
error: Content is protected !!