Rajkot: જિલ્લા ક્લેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ

તા.૨૧/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
લોક પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ થયેલા વિવિધ પ્રશ્નો સમયમર્યાદામાં ઉકેલવા સૂચના અપાઈ
Rajkot: રાજકોટ જિલ્લા ક્લેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં આજે જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરીને તેના તાત્કાલિક નિકાલની સૂચના આપવામાં આવી હતી. આ સાથે હાલ ચાલી રહેલા કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સાંસદ શ્રી રામભાઈ મોકરિયાના હરિપર ખારી રોડ પરના પુલના પ્રશ્ન બાબતે જણાવાયું હતું કે, આ પુલ માટે નવી દરખાસ્ત કરી દેવામાં આવી છે.
ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા તરફથી શાપર વેરાવળમાં બની રહેલા પી.એચ.સી. બાબતનો પ્રશ્ન રજુ થયો હતો. જેમાં જણાવાયું હતું કે, આ પી.એચ.સી.ના મુખ્ય બિલ્ડિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તેને ટૂંક સમયમાં જ કાર્યાન્વિત કરવા સૂચના આપવામાં આવી હતી. શાપર વેરાવળમાં ભરાતી બુધવારીમાં સ્વચ્છતા જાળવવા માટે ફેરિયાઓને સમજૂત કરવા અને જરૂર પડ્યે દંડનીય કાર્યવાહી કરવા પણ સબંધિત વિભાગને સૂચના કરવામાં આવી હતી.
શાસ્ત્રી મેદાનના પ્રશ્ન બાબતે જણાવાયું હતું કે, મેદાનની અંદર થયેલું દબાણ દૂર કરી દેવામાં આવ્યું છે. મેદાનમાં ત્રણેય ગેટ પર સુરક્ષા કર્મી મૂકવામાં આવશે તેમજ ગેટને નુકસાન પહોંચાડનાર કે મેદાનમાં કોઈ પણ વસ્તુ ઠાલવનાર વાહન જપ્ત કરીને કડક, દંડનીય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબહેન શાહ તરફથી વોર્ડ ૧૧માં પ્લોટની માલિકી તેમજ અનાજ એ.ટી.એમ. માટે જગ્યા ફાળવણી અંગેના પ્રશ્ન રજૂ થયા હતા.
જિલ્લા ક્લેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ દ્વારા પડતર તમામ પ્રશ્નોનો તત્કાલ ઉકેલવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટ ગ્રામ્ય પોલીસવડા શ્રી વિજયસિંહ ગુર્જર, આસિસ્ટન્ટ કલેક્ટર સુશ્રી મહેક જૈન, નાયબ પોલીસ કમિશનર શ્રી રાકેશ દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.કે. મૂછાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.







