
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં નકલી દૂધ કૌભાંડના આક્ષેપો : બાયડની 4 ડેરીઓમાં ઠલવાતું દૂધ, રોજના 10 હજાર લીટર સપ્લાયનો દાવો સાથે આક્ષેપો
અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં નકલી દૂધના સંભવિત મોટા કૌભાંડ અંગે ચકચાર મચાવતાં આક્ષેપો સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી ના યુવરાજસિંહ દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવેલી રેકી બાદ બાયડ વિસ્તારમાં નકલી દૂધ ઠાલવાતું હોવાનો પર્દાફાશ થયો હોવાનું જણાવાયું છે.યુવરાજસિંહના જણાવ્યા અનુસાર બાયડથી બાલાસિનોર સુધી નકલી દૂધનું પરિવહન કરવામાં આવતું હતું અને દરરોજ અંદાજે 10 હજાર લીટર જેટલું નકલી દૂધ અલગ અલગ સહકારી ડેરીઓમાં ખાલી કરવામાં આવતું હતું. બાયડની ચાર સહકારી ડેરીમાં નકલી દૂધ સંગ્રહ થતો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
આક્ષેપ મુજબ માધવ સીત કેન્દ્ર અંતર્ગત આમોદરાની ભાથીજી ડેરી, તાલોદ ડેરી, બોરડી ડેરી તેમજ જુના પીપોદરા ડેરીમાં નકલી દૂધ ખાલી કરવામાં આવતું હતું. જુના પીપોદરા અને આમોદરા વિસ્તારમાં ‘છોટા હાથી’ વાહન મારફતે દૂધ ઠાલવાતું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જ્યારે બોરડી આદર્શ ડેરી અને ભાથીજી ડેરીમાં 6001 નંબરના ટેન્કર દ્વારા દૂધ પહોંચાડાતું હોવાનું જણાવાયું છે
યુવરાજસિંહે વધુમાં જણાવ્યું કે જૂનાગઢ જિલ્લાના હનુમાન ખીજડીયા વિસ્તારમાંથી નકલી દૂધ બાયડ સુધી લાવવામાં આવતું હતું અને આ સમગ્ર પરિવહન સંબંધિત રેકોર્ડ પોતાના પાસે ઉપલબ્ધ હોવાનું તેઓએ દાવો કર્યો છે.મામલે જિલ્લા કલેક્ટર તેમજ સહકારી રજીસ્ટ્રારને રજૂઆત કરવાની તૈયારી દર્શાવતા યુવરાજસિંહે આરોપ લગાવ્યો કે કેટલાક ડેરી સંચાલકો, સેક્રેટરી, ડિરેક્ટર, ચેરમેન અને સુપરવાઈઝર દ્વારા બોગસ એકાઉન્ટ ખોલી દૂધ ઉધારવાનું કામ કરવામાં આવતું હતું.હાલ સમગ્ર મામલે સત્તાવાર તપાસ શરૂ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. તપાસ બાદ જ નકલી દૂધ મામલે હકીકત બહાર આવશે અને જવાબદારો સામે કાર્યવાહી થશે કે નહીં તે સ્પષ્ટ બનશે.





