જૂનાગઢમાં ‘કિશોરી મેળો-૨૦૨૬’ અને વાનગી નિદર્શનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો
આરોગ્ય તપાસ, પોષણ શિક્ષણ અને મહિલાલક્ષી કાયદાકીય અધિકારો અંગે અપાયું માર્ગદર્શન

આરોગ્ય તપાસ, પોષણ શિક્ષણ અને મહિલાલક્ષી કાયદાકીય અધિકારો અંગે અપાયું માર્ગદર્શન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : આઈ.સી.ડી.એસ. (ICDS) ઘટક-૨ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘પૂર્ણા યોજના’ અંતર્ગત કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે ‘કિશોરી મેળો-૨૦૨૬’ અને વાનગી નિદર્શન કાર્યક્રમનું ગરિમામય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓને આરોગ્ય, પોષણ, સ્વચ્છતા અને કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃત કરી આત્મનિર્ભર બનાવવાનો હતો.
શિક્ષિત દીકરી, મજબૂત સમાજ:
કાર્યક્રમના મુખ્ય અતિથિ પદેથી સંબોધન કરતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે, “જ્યારે દીકરી શિક્ષિત અને સુપોષિત બને છે, ત્યારે જ એક સશક્ત અને મજબૂત સમાજનું નિર્માણ થાય છે.” તેમણે દીકરીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અને શિક્ષણ દ્વારા ઉજ્જવળ કારકિર્દી બનાવવા અનુરોધ કર્યો હતો.
નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન:
આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી મધુબેન પાથર, સરકારી વકીલ શ્રી અમુભાઈ પટોળીયા તેમજ પાદરીયા ગામના સરપંચશ્રીએ ઉપસ્થિત રહી કિશોરીઓને પ્રેરણા પૂરી પાડી હતી. મેળા દરમિયાન ખડિયા અને બગડુ ગામના મેડિકલ ઓફિસરો દ્વારા કિશોરીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. ન્યુટ્રીશનિસ્ટ શ્રી ડોલીબેન દોશીએ પૌષ્ટિક આહારના મહત્વ વિશે સમજૂતી આપી વાનગી નિદર્શન રજૂ કર્યું હતું.
સુરક્ષા અને કાયદાકીય જાગૃતિ:
મહિલા સુરક્ષાના ભાગરૂપે ૧૮૧ અભયમ ટીમ અને મહિલા બાળ કચેરીની ટીમ દ્વારા ‘સખી વન સ્ટોપ સેન્ટર’ તથા મહિલાલક્ષી કાયદાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત કિશોરીઓને વ્યક્તિગત સ્વચ્છતા (Hygiene) અને જીવન કૌશલ્ય (Life Skills) વિશે પણ ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડવામાં આવી હતી.
‘સશક્ત કિશોરી, સુપોષિત કિશોરી અને સમૃદ્ધ સમાજ’ના મંત્ર સાથે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમમાં આત્મવિશ્વાસ સાથે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી કારકિર્દી ઘડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.







