
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ નજીક ANTF ગાંધીનગરની મોટી કાર્યવાહી : 3.02 લાખના 6.40 કિલો ગાંજો સાથે બે આરોપી ઝડપાયા
અરવલ્લી જિલ્લામાં નાર્કોટિક્સ વિરોધી કામગીરી અંતર્ગત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ગાંધીનગર ઝોન દ્વારા બાયડ તાલુકામાં સફળ રેઇડ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગેરકાયદેસર રીતે આંતરરાજ્ય સ્તરે ગાંજાની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા
ANTFને ખાનગી બાતમી મળતા પોલીસ ટીમે બાયડથી ધનસુરા જતા રોડ ઉપર ઉમિયા નર્સરી નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ઈકો કાર નંબર GJ-02-CP-9487 ને રોકી તપાસ હાથ ધરતા ગાડીમાંથી અલગ-અલગ જગ્યાએ છુપાવી રાખેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસ તપાસમાં ડ્રાઈવર તરીકે અજયકુમાર અર્જુનભાઈ ચાવડા (રહે. આલમપુરા, કપડવંજ) અને તેની સાથે નરેશકુમાર વિક્રમભાઈ સોલંકી (રહે. વિરણીયા ભુતીયા, કપડવંજ) હાજર હોવાનું જાણવા મળ્યું હતું.તપાસ દરમિયાન ગાડીની સીટ નીચે તથા પાછળના ભાગમાં કપડાના પોટકામાં છુપાવેલો કુલ 6 કિલો 40 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 3.02 લાખ ગણવામાં આવી છે.પોલીસે આરોપીઓ પાસેથી ઈકો કાર (કિ.રૂ. 1.50 લાખ) રોકડ રૂપિયા 1,470 મોબાઈલ ફોન નંગ-2 (કિ.રૂ. 10,000) મળી કુલ રૂ. 4,63,470 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ રાજસ્થાનમાંથી ગાંજો લાવી ઉદલપુર-સેવાલિયા વિસ્તારમાં સપ્લાય કરવા જતાં હોવાનું કબૂલ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.આ અંગે બાયડ વિસ્તારમાં NDPS એક્ટની કલમ 8(c), 20(b)(2)(B) તથા 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગાંજાના સપ્લાયર તથા ખરીદદાર સહિત અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.





