MEHSANAVIJAPUR

વિજાપુરમાં દોશીવાડા થી ચક્કર તરફ બનતા રોડ સામે ગટર કામને લઈ પ્રશ્નો ઉભા થયા એક જ કોન્ટ્રાક્ટરને સંયુક્ત કામ આપવાની માંગ ઉઠી

વિજાપુરમાં દોશીવાડા થી ચક્કર તરફ બનતા રોડ સામે ગટર કામને લઈ પ્રશ્નો ઉભા થયા
એક જ કોન્ટ્રાક્ટરને સંયુક્ત કામ આપવાની માંગ ઉઠી

oppo_0
oppo_0

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં પાલિકા દ્વારા દોશીવાડાથી વૈદ્યનો માઢ સુધી તેમજ મહાબીબીની ફળી મસ્જીદથી ચક્કર સુધી રોડ નિર્માણનું કામ પ્રગતિમાં છે. શહેરના વિકાસ માટે હાથ ધરાયેલા આ કામને લઈ સ્થાનિકોમાં આશા સાથે સાથે ચિંતા પણ જોવા મળી રહી છે. ખાસ કરીને આ માર્ગો પર વારંવાર ઉભરાતી ગટરની સમસ્યા યથાવત રહેતા લોકોમાં અસંતોષ વ્યક્ત થઈ રહ્યો છે.
સ્થાનિકોના મતે, રોડ બનાવતાં પહેલાં અથવા સાથે સાથે ગટરની નવી પાઈપલાઈન નાખવાની કામગીરી એક જ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવે તો સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે. હાલમાં જુદા જુદા કોન્ટ્રાક્ટરોને અલગ અલગ કામો આપવામાં આવતા રોડ બન્યા પછી ગટરના કામ માટે ફરી તોડફોડ કરવી પડે છે. પરિણામે સરકારની ગ્રાન્ટનો બગાડ થતો હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે.
જાગૃત નાગરિકોનો દાવો છે કે રોડ અને ગટરના કામમાં સંકલનના અભાવને કારણે ગુણવત્તા જળવાતી નથી. ગટર માટે રોડ ખોદવામાં આવતા નવી બનેલી સડક થોડા જ સમયમાં ખરાબ થઈ જાય છે, જેના કારણે લોકોને ફરી મુશ્કેલી ભોગવવી પડે છે. આ પરિસ્થિતિમાં એકીકૃત આયોજન સાથે કામ કરવામાં આવે તો વિકાસ કાર્યો વધુ અસરકારક બની શકે તેવી માંગ ઉઠી છે.
આ મુદ્દે પાલિકા એન્જિનિયર હિમાનીબેન ચૌધરીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓ પાલિકા કચેરીએ હાજર ન હોવાને કારણે મોબાઈલ દ્વારા બે થી ત્રણ વખત સંપર્ક કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ સંપર્ક સાધી શકાયો નહોતો.
હાલ સરકાર દ્વારા શહેરમાં વિકાસના વિવિધ કામો હાથ ધરાયા છે, પરંતુ તેમની ગુણવત્તા અને દેખરેખ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્વચ્છ ગુજરાત–સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પાલિકા તંત્રે અઠવાડિયામાં ઓછામાં ઓછો એક વખત વિસ્તારોમાં જઈને ગંદકી, રોડ–રસ્તા અને પાણી જેવી સમસ્યાઓનું નિરીક્ષણ કરે તેવી માંગ જાગૃત નાગરિકોમાંથી ઉઠી છે.

Back to top button
error: Content is protected !!