AHAVADANGGUJARAT

સાપુતારા પોલીસની ટીમે દારૂથી ભરેલા છોટા હાથી ટેમ્પા સાથે એકને ઝડપી પાડી 3.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

સાપુતારા પોલીસની ટીમ દ્વારા આંતરરાજ્ય સરહદ પર ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે એક મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે.ડાંગના પોલીસ અધિક્ષક પૂજા યાદવની  સૂચના મુજબ, નાયબ પોલીસ અધિક્ષક કે.આર.ડીમરીના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.પી.ડી.ગોંડલીયાની પોલીસની ટીમે વાહન ચેકિંગની સઘન ઝુંબેશ હાથ ધરી હતી.આ કામગીરી દરમિયાન મહારાષ્ટ્ર રાજ્ય તરફથી આવતા એક અશોક લેલન્ડ ‘છોટા હાથી’ મિની ટેમ્પો (રજીસ્ટ્રેશન નંબર GJ-01-DY-7741) ને શંકાના આધારે રોકવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ટેમ્પોમાં ખાલી ફાલકાની ઉપર તાલપત્રી વીંટાળી તેની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે  આ ટેમ્પોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની વ્હીસ્કી અને વોડકાની કુલ ૧૧૫૨ બોટલો (૨૦૭.૩૬ લિટર) કબજે કરી છે,જેની કિંમત અંદાજે કિંમત રૂ. ૧,૪૫,૭૫૦/- જેટલી થાય છે. આ સાથે રૂ. ૨,૦૦,૦૦૦/- ની કિંમતનો ટેમ્પો, રૂ. ૧૪૫૦/- રોકડા અને રૂ. ૫૦૦/- ની કિંમતનો મોબાઈલ ફોન મળીને કુલ રૂ. ૩,૪૭,૭૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ ગુનામાં પોલીસે ટેમ્પો ચાલક ઉપેન્દ્ર છટુ પ્રસાદ (ભગત), ઉંમર વર્ષ ૫૦, જે હાલ સુરતના કીમ વિસ્તારમાં રહે છે અને મૂળ બિહારનો વતની છે, તેની ધરપકડ કરી છે. જ્યારે આ દારૂના નેટવર્કમાં સામેલ અન્ય એક આરોપી, જ્ઞાનેશ્વર ઉર્ફે અનિલ ઉર્ફે ચીકના દયારામ પાટીલ (રહે. લિમ્બાયત, સુરત) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.આ બાબતે  સાપુતારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે..

Back to top button
error: Content is protected !!