સરકારી આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢમાં આગામી તા.૨૫ થી ૨૭ ફેબુ્આરી દરમિયાન ‘આયુષ મેળો’નું આયોજન
સરકારી આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢમાં આગામી તા.૨૫ થી ૨૭ ફેબુ્આરી દરમિયાન ‘આયુષ મેળો’નું આયોજન

નિયામક શ્રી આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, જૂનાગઢ દ્વારા આગામી તા. ૨૫, ૨૬ અને ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન ‘આયુષ મેળો-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. “આયુર્વેદ થકી ઉત્તમ સ્વાસ્થ્ય” ના મંત્રને સાર્થક કરવાના હેતુથી આ મેળાનું આયોજન સરકારી આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું છે.આ મેળામાં સરકારી આયુર્વેદ કૉલેજ અને હોસ્પિટલનાં કુલ ૧૪ જેટલા વિવિધ વિભાગો દ્વારા અલગ અલગ આયુષ પ્રદર્શનીનાં સ્ટોલ હશે. જેમાં આયુર્વેદને લગતી વિવિધ માહિતીઓ જેવી કે સ્વાસ્થ્યને લગતી, ઔષધિ અને તેનાં નિર્માણને લગતી, સ્ત્રીઓ અને બાળકોને લગતી અને આ સિવાય કોલેજ અને હોસ્પિટલમાં થનારી વિવિધ પ્રવૃત્તિઓને લગતી માહિતીઓ મળશે. તેમજ પ્રકૃતિ પરીક્ષણ, હાડકાની ઘનતા માપવા માટેનો (BMD) કેમ્પ, અને આયુષ પ્રદર્શન (એક્ઝિબિશન), નિશુલ્ક બ્લડ સુગર માપવાની સુવિધા ઉપલબ્ધ, ઉપરાંત, આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સ્વાસ્થ્યવર્ધક પીણાં (હેલ્થ ડ્રિંક) અને ઇનોવેટિવ સ્વાસ્થ્યવર્ધક રેસિપીનું પ્રદર્શન યોજાશે. તેમજ ઔષધિય રોપાઓ જેવા કે ગળો, ધાવડી, અરણી, અંજીર વગેરે મર્યાદિત સંખ્યામાં અને વહેલા તે પહેલાંનાં ધોરણે નિઃશુલ્ક આપવામાં આવશે.આ મેળો સરકારી આર્યુર્વેદ હોસ્પિટલ કેમ્પસ જૂનાગઢ ખાતે સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી યોજાનાર છે. જૂનાગઢ અને આસપાસના વિસ્તારના નાગરિકોને પોતાના પરિવાર અને મિત્રો સાથે આ મેળાની મુલાકાત લઈ આયુર્વેદિક જીવનશૈલી અપનાવવા સરકારી આર્યુવેદ કોલેજ અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




