GUJARATJUNAGADHKESHOD

માળિયા હાટીના સ્થિત શ્રી તાલુકા પે સેન્ટર શાળાના શિક્ષક હર્ષાબેન ભુવા શૈક્ષણિક પ્રયોગ રાજ્યકક્ષાએ પસંદ

માળિયા હાટીના સ્થિત શ્રી તાલુકા પે સેન્ટર શાળાના શિક્ષક હર્ષાબેન ભુવા શૈક્ષણિક પ્રયોગ રાજ્યકક્ષાએ પસંદ

જૂનાગઢ જિલ્લાના શિક્ષક હર્ષાબેન મોહનલાલ ભુવાનો નવતર શૈક્ષણિક પ્રયોગ રાજ્યકક્ષાએ પસંદ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાસ્થિત શ્રી તાલુકા પે સેન્ટર શાળાના શિક્ષક શ્રી હર્ષાબેન મોહનલાલ ભુવાએ શિક્ષણ ક્ષેત્રે એક નવતર અને અસરકારક પ્રયોગ દ્વારા જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત ઇનોવેશન ફેસ્ટિવલ – ૨૦૨૬ અંતર્ગત શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પોરબંદર ખાતે યોજાયેલ ઝોન–૨ કક્ષાના કાર્યક્રમમાં તેમના પ્રયોગને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું છે અને તે હવે રાજ્યકક્ષાએ રજૂ કરવા માટે પસંદ કરવામાં આવ્યો છે. આ ઇનોવેશન ફેસ્ટિવલમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર શ્રેષ્ઠ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ઝોન–૨ કક્ષાના આ આયોજનમાં કુલ છ જિલ્લાઓ — પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીનો સમાવેશ થયો હતો.આ ઇનોવેશન ફેસ્ટિવલમાં “વર્ગખંડથી સમાજ સુધી” ના વિચાર સાથે શિક્ષણ ક્ષેત્રની નવીનતા અને શ્રેષ્ઠ શૈક્ષણિક નવતર પ્રયોગોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. તેમાં શિક્ષકો દ્વારા વર્ગખંડમાં અપનાવાયેલી નવીન પદ્ધતિઓને સમાજ સમક્ષ અસરકારક રીતે રજૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – NEP 2020 હેઠળ નિર્ધારિત અધ્યયન નિષ્ફતિઓ સિદ્ધ થાય તે હેતુથી અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓને પડતા કઠિન મુદ્દાઓને સરળ બનાવવા માટે આ નવતર પ્રયોગ તૈયાર કરવામાં આવ્યો છે. વિવિધ પ્રવૃત્તિ આધારિત અને ગેમ આધારિત પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓ રમત–રમતમાં શબ્દભંડાર, વાંચન, સમજ, બોલવાની અને વાક્યરચનાની કુશળતા વિકસાવે છે. પરિણામે અભ્યાસ ભારરૂપ લાગતો નથી પરંતુ આનંદદાયક બની જાય છે. આ પ્રયોગથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સક્રિય ભાગીદારી, સર્જનાત્મકતા અને અંગ્રેજી ભાષા પ્રત્યે રસ નોંધપાત્ર રીતે વધ્યો છે. NEP–2020 મુજબ શિક્ષણને અનુભવ આધારિત, પ્રવૃત્તિ આધારિત અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવાની દિશામાં આ પ્રયોગ એક શ્રેષ્ઠ ઉદાહરણરૂપ સાબિત થયો છે. તેથી જ નિષ્ણાત સમિતિ દ્વારા આ નવતર પ્રયાસને ઝોન–૨ કક્ષાએ શ્રેષ્ઠ ગણાવી રાજ્યકક્ષાએ રજૂ કરવા માટે પસંદ કરવામાં આવ્યો છે. આ સિદ્ધિથી માત્ર માળિયા હાટીના તાલુકા નહીં પરંતુ સમગ્ર જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધ્યું છે. શાળા પરિવાર, તાલુકા તથા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હર્ષાબેન મોહનલાલ ભુવાને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને રાજ્યકક્ષાએ પણ તેમનો પ્રયોગ ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!