આણંદ – યુનિવર્સિટીના NCC કેડેટ્સે RDC 2026માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

આણંદ – યુનિવર્સિટીના NCC કેડેટ્સે RDC 2026માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું
તાહિર મેમણ – આણંદ – 24/02/2026 – ચારુતર વિદ્યામંડળ સંચાલિત CVM યુનિવર્સિટી (CVMU)ના NCC કેડેટ્સે નવી દિલ્હી ખાતે આયોજિત પ્રતિષ્ઠિત રિપબ્લિક ડે કેમ્પ (RDC) 2026માં ઉત્કૃષ્ટ દેખાવ કરી સમગ્ર ગુજરાત અને યુનિવર્સિટીનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. આ ગૌરવશાળી ઉપલબ્ધિ બદલ યુનિવર્સિટી દ્વારા કેડેટ્સ અને સમગ્ર NCC ટીમની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
RDC 2026માં ADIT કોલેજના કેડેટ રાઠોડ ગુરુરાજ સિંહ અને GCET કોલેજના કેડેટ લાધવાલા દેવની પસંદગી થઈ હતી. કેમ્પ દરમિયાન આ કેડેટ્સને ભારતના માનનીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ, રક્ષા રાજ્ય મંત્રી (RRM), ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અને ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS) જેવા મહાનુભાવો સાથે સીધો સંવાદ કરવાનું સન્માન પ્રાપ્ત થયું હતું.
કેડેટ લાધવાલા દેવને તેમની અસાધારણ કામગીરી બદલ મહાનિદેશક (DG) NCC દ્વારા પ્રતિષ્ઠિત ‘કોમેન્ડેશન કાર્ડ’ એનાયત કરવામાં આવ્યું હતું.ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની મુલાકાત બાદ, રાજભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ADG ગુજરાત દ્વારા બંને કેડેટ્સને ‘એપ્રીસીએશન મેડલિયન’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ બી. પટેલે કેડેટ્સની શિસ્ત અને સમર્પણની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “આ સિદ્ધિ CVM યુનિવર્સિટીમાં આપવામાં આવતા શ્રેષ્ઠ માર્ગદર્શન અને નેતૃત્વના મૂલ્યોનું પરિણામ છે.”
યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડૉ. ઇન્દ્રજીત પટેલ તથા રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. સંદીપ વાલિયાએ આ સફળતાને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે 38 ગુજરાત બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ અખિલ માંધે અને લેફ્ટનન્ટ કર્નલ અનિલ મેહરા (AO) ના સતત સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે યુનિવર્સિટીના ગવર્નિંગ બોડીના સભ્યો તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો દ્વારા ડૉ. વિશાલ સિંહ (પ્રિન્સિપલ, ADIT), ડૉ. કૌશિક નાથ (પ્રિન્સિપલ, GCET), ડૉ. શિવકુમાર ડી. સિંહ (NCC ઓફિસર, CVMU), તેમજ એએનઓ/સીટીઓ ડૉ. અનિલ પાંડે, ડૉ. ચિંતન પટેલ અને પ્રોફ. વ્રજ હિંગુ સહિત 38 ગુજરાત બટાલિયનના PI સ્ટાફને તેમની મહેનત બદલ બિરદાવવામાં આવ્યા હતા.
આ સિદ્ધિ આગામી વર્ષોમાં અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનશે તેવી આશા સાથે યુનિવર્સિટી પરિવારે બંને કેડેટ્સને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.





