BODELICHHOTA UDAIPURGUJARAT

પાવીજેતપુરમાં વહીવટી તંત્રની કાર્યવાહી: પી.એસ.આઈ. એલ.પી. રાણા પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે વહીવટી તંત્ર દ્વારા મુખ્ય બજાર વિસ્તારમાં વધારાના દબાણોને લઈને મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી દુકાનદારો દ્વારા રસ્તા, ફૂટપાથ અને જાહેર જગ્યાઓ પર શેડ, લારીઓ, ટેન્ટ તથા અન્ય સામાન મુકી દબાણ કરવામાં આવતાં વાહન વ્યવહાર તેમજ પાદચારીઓની અવરજવરમાં ભારે અડચણો ઊભી થતી હતી. સ્થાનિક નાગરિકો તરફથી મળતી રજૂઆતો અને ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આગોતરી સૂચનાઓ આપવામાં આવી હતી અને નિર્ધારિત સમયમર્યાદામાં દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા જણાવાયું હતું.
નિર્ધારિત દિવસે વહીવટી તંત્રની ટીમ સ્થળ પર પહોંચી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. કામગીરી દરમિયાન પાવીજેતપુર પી.એસ.આઈ. એલ.પી. રાણા પોલીસ સ્ટાફ સાથે સ્થળ પર હાજર રહ્યા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં રસ્તા પર મુકાયેલા શેડ, લારીઓ અને અન્ય અવરોધો દૂર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા દુકાનદારોને ભવિષ્યમાં જાહેર માર્ગો પર દબાણ ન કરવા કડક ચેતવણી આપવામાં આવી હતી અને નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી.
આ કામગીરી બાદ મુખ્ય બજાર વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરી હોવાનું જોવા મળ્યું હતું અને સ્થાનિક નાગરિકોએ પણ તંત્રની કામગીરીને આવકાર આપ્યો હતો.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!