GUJARATRAJKOTRAJKOT CITY / TALUKOUPLETA

Upleta: ‘નળથી જળ’: ઉપલેટાના લાઠ ગામમાં ‘જળ અર્પણ દિવસ’ની ઉજવણી કરાઈ

તા.૨૫/૨/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ગામમાં રૂ. ૪૩ લાખના ખર્ચે જળ વ્યવસ્થાનાં કામો સંપન્નઃ પાણી વિતરણની કામગીરી હવેથી પંચાયત સંભાળશે

Rajkot, Upleta: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં ‘જળ અર્પણ દિવસ’ કાર્યક્રમની ઉજવણી ગતરોજ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યા ગ્રામલોકો જોડાયા હતા.

લાઠ ગામમાં રૂ. ૪૩ લાખના ખર્ચે જળ વિતરણ વ્યવસ્થાના વિવિધ કામો સંપન્ન થતાં, ધોરાજી પ્રાંત અધિકારી શ્રી એન. એમ. તરખલાના હસ્તે ગ્રામ પંચાયતની પાણી સમિતિને ‘જળ કળશ’ અર્પણ કરીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, જલજીવન મિશન અંતર્ગત આયોજિત આ કાર્યક્રમનો હેતુ જળ સંરક્ષણ યોજનામાં લોકોમાં માલિકીપણાની ભાવના વિકસાવીને ગ્રામ પંચાયતને વધુ સશક્ત બનાવવાનો હતો. ગામમાં ઘરેઘરે નળથી જળ પહોંચ્યા છે ત્યારે હવેથી ગામમાં પાણી વિતરણની વ્યવસ્થા પંચાયત સંભાળશે, તેમ વાસ્મો તરફથી જણાવાયું હતું.

આ તકે લોકોને સંબોધિત કરતા પ્રાંત અધિકારીશ્રીએ પાણીનું મહત્વ સમજાવીને તેના કરકસરયુક્ત વપરાશ પર ભાર મુક્યો હતો. આ સાથે વરસાદી પાણીનો સંગ્રહ કરીને આવનાર સમય માટે પાણીનો બચાવ કરવા તેમજ યોજનામાં લોકભાગીદારીથી યોગ્ય સંચાલન મરામત અને નિભાવણી કરવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં પાણી વેરા પ્રોત્સાહન યોજના અંતર્ગત ઉપલેટા તાલુકા પાંચ અને ધોરાજી તાલુકા પાંચ ગામોને આશરે રૂ. ૯.૫૦ લાખની સહાય સાથે અભિનંદન પત્ર આપવામાં આવ્યા હતા. આ અવસરે શાળાના બાળકો દ્વારા જળ સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા રેલી યોજવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી ઋષિકુમાર ત્રિવેદી, મામલતદાર શ્રી નિખીલ મહેતા, કાર્યપાલક ઈજનેર અને યુનિટ મેનેજર શ્રી ડી.એસ. બારિયા, લાઠના સરપંચ શ્રી પૃથ્વીરાજસિંહ ચુડાસમા, વાસ્મોની ટીમ તેમજ પંચાયતના પદાધિકારીશ્રીઓ, પાણી સમિતિના સભ્યો અને બહોળી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી.

Back to top button
error: Content is protected !!