Rajkot: વિંછીયા ખાતે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં યોગ શિબિર યોજાઈ

તા.૨૫/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
સ્વાસ્થ્ય પ્રત્યે જનજાગૃતિ કેળવવા અને ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ના સંકલ્પને વેગ આપવાનો પ્રયાસ
Rajkot: ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગ સેવક શ્રી શિશપાલજીના માર્ગદર્શન મુજબ દરેક તાલુકામાં યોગનો વ્યાપ વધારવાના ઉમદા હેતુસર યોગ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં પણ ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઉપસ્થિત રહીને તમામ સાધકોને પ્રોત્સાહિત કર્યા હતા. મંત્રીશ્રીએ રોજબરોજના જીવનમાં યોગ અને પ્રાણાયામને વણી લઈને મેદસ્વિતામુક્ત અને રોગમુક્ત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
આ શિબિરમાં વિંછીયા પંથકના યોગ સાધકોએ જોડાઈને નિરોગી જીવનના મંત્ર સાથે યોગાભ્યાસનો લાભ લીધો હતો. સ્ટેટ કો-ઓર્ડીનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદી તથા ઝોન કો-ઓર્ડીનેટર શ્રી વંદનાબેન રાજાણીએ મેદસ્વિતામુક્તિ માટે જરૂરી આસનો, પ્રાણાયામો અને સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરાવ્યો હતો. જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી હિતેશભાઈ કાચાએ વિવિધ આસનો કરાવીને, લોકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં યોગ ટ્રેનર તરીકે કઈ રીતે ટ્રેનિંગ લઈ શકાય, તે અંગે માહિતી પૂરી પાડી હતી. આ શિબિરના સફળ આયોજન માટે યોગ કોચ શ્રી ટ્વિંકલબેન પીઠવા સહિત યોગ બોર્ડની ટ્રેનર ટીમે જહેમત ઉઠાવી હતી.
ઉલ્લેખનીય છે કે આ શિબિરના માધ્યમથી લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે અને ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ના સંકલ્પને વેગ મળે, તેવો પ્રયાસ કરાયો હતો. તેમજ લોકોને યોગ થકી શારીરિક અને માનસિક સુખાકારી પ્રાપ્ત કરવા માટે અનુરોધ કરાયો હતો.
આ તકે સરપંચ શ્રી ચતુરભાઈ રાજપરા, અગ્રણીઓ શ્રી અમૃતભાઈ બારૈયા, શ્રી બીપીનભાઈ જસાણી, શ્રી વલ્લભભાઈ ઝાપડીયા, બ્રહ્માકુમારી શ્રી ગીતા દીદી અને શ્રી પૂજા દીદી ઉપસ્થિત રહ્યાં હતાં.






