BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી ચાસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વહીવટ સામે સભાસદોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી ચાસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વહીવટ સામે સભાસદોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. મંડળીના શેર સભાસદોએ કસ્ટોડિયન કમિટી પર ગંભીર આક્ષેપો મૂકતાં જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ ઉઠાવી છે.

કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે વર્તમાન કમિટી દ્વારા દૂધના યોગ્ય અને સ્પર્ધાત્મક ભાવ આપવામાં આવતા નથી. આસપાસની અન્ય દૂધ મંડળીઓની સરખામણીમાં ઓછા ભાવ મળતા ગરીબ આદિવાસી પશુપાલકોને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.

વધુમાં, કોઈપણ પૂર્વ સૂચના વિના કેટલાક દૂધ સેન્ટરો અને વાહન સેવાઓ બંધ કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સભાસદોની મંજૂરી વગર લેવાતા નિર્ણયો લોકશાહી પદ્ધતિના વહીવટને આંચકો પહોંચાડતા હોવાની પણ નોંધ લેવાઈ છે.

સભાસદોએ આવેદનમાં જણાવ્યું છે કે મંડળીમાં રાજકીય કિન્નાખોરીને આધારે કામગીરી થઈ રહી છે, જેના પરિણામે દૂધની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

મંડળીની પાંચ વર્ષની મુદત 23 જાન્યુઆરીએ પૂર્ણ થઈ ગયાની નોંધ સાથે હજુ સુધી નવી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. પારદર્શક અને લોકશાહી આધારિત વહીવટ સુનિશ્ચિત કરવા તમામ શેર સભાસદોએ એકસૂરેથી તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!