લાખણી થી ગેળાનો રોડ ખખડધજ રોડ ટ્રાફીકની સમસ્યા થી ત્રસ્ત લોકો આંદોલન કરવા મજબુર બનશે

નારણ ગોહિલ લાખણી
ભાજપની સરકાર અને ભાજપના ધારાસભ્ય હોવા છતાં લાખણી થી ગેળા રોડ ખખડધજ હાલતમાં પડ્યો છે અને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે છતાં સરકાર અને વહીવટી તંત્ર નું પેટ નું પાણી હલતું નથી..
2015 ના પુરમાં ધોવાયેલ 4 કી. મી.ના જર્જરીત રોડને પેવર કરવામાં તંત્રના અખાડા
વાવ- થરાદ જિલ્લાના તાલુકા મથક લાખણીથી યાત્રાધામ ગેળાને જોડતા માત્ર ચાર કિ.મી. ના રોડ પર વર્ષોથી ઠેર ઠેર જીવલેણ ખાડાઓ પડી જવાથી રોડ બિસ્માર અને જર્જરીત બન્યો છે. પરંતુ તંત્ર દ્વારા રોડને પેવર કરાતો નથી.જેથી લોકોમાં ભારે આક્રોશ છવાતા શનિવારે હાઇવે ટ્રાફિકજામનું એલાન કરાયું છે.2015 અને 2017 ના પુરના પગલે ખખડધજ બનેલા રોડના કારણે ગેળા ગામે શ્રીફળ મંદિર તરીકે પ્રસિદ્ધ હનુમાન દાદાના મંદિરે આવતા દર્શનાર્થીઓ તેમજ લાખણી આવતા અન્ય ગામોના વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી તંત્ર દ્વારા સત્વરે રોડનું સમારકામ કરવામાં આવે તેવી વર્ષોથી જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆતો થાય છે. ગેળા હનુમાન દાદાના મંદિરે દર્શનાર્થીઓની રોજીંદી અવરજવર રહે છે અને દર શનિવારે તો હજારોની સંખ્યામાં ભક્તો દૂર દૂરથી પગપાળા તેમજ વાહનોમાં દર્શન કરવા આવતા હોય છે. જ્યારે લાખણી તાલુકા મથક અને વેપારી મથક હોવાથી ગેળા, ગણતા, લાલપુર, ડોડિયા સહીત થરાદ અને ધાનેરા તાલુકાના ગામડા સાથે સંકળાયેલ છે. લાખણી અને ગેળાનો આ ચાર કિ.મી.ના અંતર ધરાવતા રોડ પર વાહનોનો ભારે ઘસારો જોવા મળે છે. પરંતુ રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડી જતાં રોડ સાવ જર્જરીત અને ભયજનક બની ગયો છે.અહીં ગેળા હનુમાન દાદાના દર્શન કરવા માટે મંત્રીઓ નેતાઓ સહિત અધિકારીઓ પણ આવતા
હોય છે.તેમ છતાં તંત્ર દ્વારા રોડનું સમારકામ કે પેવર કરવાના બદલે માત્ર થાગડથીગડ કરી સંતોષ માની લેવામાં આવે છે.લાખણી તાલુકાનું ગેળા ગામ થરાદ મત વિસ્તારમાં તેમજ લાખણી દિયોદરમાં મત વિસ્તારમાં આવે છે જેથી બંને ધારાસભ્યો પોતાને ગ્રાન્ટ ફાળવી આ રોડને ફરીથી બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવામાં પામી છે. આ બાબતે દાદાના દર્શને આવેલા શ્રદ્ધાળુએ જણાવ્યું કે, મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. પરંતુ લાખણીથી ગેળા સુધીનો રોડ બિસ્માર બનતાં ભારે તકલીફ પડે છે. જેથી બિસ્માર બનેલ રોડ પર થાગડથીગડને બદલે રોડનું તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરાય તેવી માંગ પણ કરી હતી.લોકોમાં પણ તંત્રની ઘોર લાપરવાહીને લઈ આક્રોશ છવાયો છે.અને નાછૂટકે શનિવારે હાઇવે ટ્રાફિકજામનું એલાન સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યું છે.
બે ધારાસભ્યની હદમાં કામ અટવાયું : લોકોનો આક્ષેપ
લાખણીથી ગેળા યાત્રાધામના માત્ર ચાર કી. મી. ના રોડનું સમારકામ વર્ષોથી અટવાયેલું છે. આ બાબતે લોકોએ લાખણી દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણના મત વિસ્તારમાં જ્યારે ગેળા થરાદ ધારાસભ્ય શંકરભાઇ ચૌધરીના મત વિસ્તારમાં આવતું હોઈ આ બન્ને ધારાસભ્યની હદને લઈ અટવાયું હોવાના ગંભીર આક્ષેપો કરી રોડનું સત્વરે સમારકામ નહીં થાય તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.




