ધોળીવાવમાં વૃદ્ધ દંપતી બળદની જેમ જાતે જોતરાઈ ખેતી કરતા કેમેરામાં કેદ

આધુનિક યુગમાં જ્યાં ખેતી સંપૂર્ણપણે યાંત્રિક સાધનો પર આધારિત બની રહી છે, ત્યાં બોડેલી તાલુકાના ધોળીવાવ ગામમાંથી એક હૃદયસ્પર્શી અને ચિંતાજનક દ્રશ્ય સામે આવ્યું છે. અહીં એક વૃદ્ધ દંપતી ખેતરમાં બળદની જેમ જાતે જોતરાઈ કરી ખેતી કરતા કેમેરામાં કેદ થયા છે.
ધોળીવાવ ગામના 65 વર્ષીય ચંદુ કાકા તેમની જીવનસંગીની અમરીબેન સાથે ખેતરમાં મહેનત કરતા જોવા મળ્યા. તેઓએ જણાવ્યું કે આજના સમયમાં બળદ જાણે લુપ્ત થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. પહેલા દરેક ખેડૂતના આંગણે બળદ બંધાયેલા રહેતા અને હળ વડે ખેતી થતી, પરંતુ હવે ઘેરેઘેર ટ્રેક્ટર અને મીની ટ્રેક્ટરનો જ ઉપયોગ થાય છે.
છેલ્લા બે દાયકામાં ખેતીની પદ્ધતિમાં મોટો બદલાવ આવ્યો છે. ખેડામણ, નિંદામણ અને વાવણી સહિતના મોટાભાગના કામ હવે ટ્રેક્ટર અને અન્ય યાંત્રિક સાધનો દ્વારા થાય છે. જેમની પાસે પોતાની સગવડ નથી તેઓ ભાડે ટ્રેક્ટર મંગાવે છે, પરંતુ જેમની પાસે ભાડા માટે પણ પૂરતા પૈસા નથી, તેવા ખેડૂતો આજે પણ પરંપરાગત રીતે મહેનત કરવા મજબૂર બને છે.
ચંદુ કાકાએ જણાવ્યું, “મારી ઉંમર 65 વર્ષ છે છતાં હું અને મારી પત્ની રોજ સવારે ચા-નાસ્તો કરીને ખેતરે આવી જઈએ છીએ. અમારી તાકાત પ્રમાણે જે કામ બને તે જાતે કરી લઈએ છીએ. મારા ત્રણ પુત્રો મને રોકે છે, પરંતુ મહેનત કરવાની આદતને કારણે બેસી રહેવું ગમતું નથી.”
તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે આજના યુવાનો ખેતીથી દૂર થઈ રહ્યા છે, જે આવનારી પેઢી માટે વિચારવાનું કારણ છે. જગતનો તાત ગણાતો ખેડૂત આજે પણ તન-મન-ધનથી મહેનત કરી રહ્યો છે, છતાં અનેક આર્થિક અને સામાજિક પડકારોનો સામનો કરી રહ્યો છે.
આ દ્રશ્ય એક તરફ વૃદ્ધ દંપતીની મહેનત અને જિજ્ઞાસાનું પ્રતિક છે, તો બીજી તરફ ગ્રામ્ય અર્થતંત્ર અને નાના ખેડૂતોની હાલત પર પ્રશ્નચિહ્ન પણ ઊભું કરે છે.
રિપોર્ટર : તૌસીફ ખત્રી





