Rajkot: રાજકોટ જિલ્લાના પશુઓમાં ખરવા મોવાસા રોગ પ્રતિબંધક રસીકરણનો ૧ લી માર્ચથી પ્રારંભ

તા.૨૬/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
છ મહિનાથી વધુ ઉંમરના ૫ લાખ જેટલા ગાય ભેસ વર્ગના પશુઓનો સમાવેશ
Rajkot: પશુઓમાં જોવા મળતા ગંભીર વિષાણુજન્ય રોગ ખરવા મોવાસા રોગ સામે રક્ષણ આપવા માટે રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોના જનહિતાર્થે રાજકોટ જિલ્લામાં સઘન રસીકરણ અભિયાન હાથ ધરાશે.
આગામી ૧ માર્ચથી પશુપાલન વિભાગ દ્વારા દોઢ મહીના સુધી ચાલનારા આ અભિયાનમાં અંદાજે ૫ લાખ જેટલા ગાય અને ભેંસ વર્ગનાં પશુઓને રસી આપવામાં આવશે.
જિલ્લા પશુપાલન અધિકારી ડો. શૈલેષભાઈ ગરાળાએ રસીકરણ અભિયાન અંગે જણાવ્યું છે કે, આ રસીકરણ ઝુંબેશમાં છ મહિનાથી વધુ ઉંમરના તમામ ગાય ભેસ વર્ગના પશુઓને આવરી લેવાશે. પશુપાલન નિયામકની સૂચના મુજબ રસીના જથ્થાની યોગ્ય જાળવણી માટે કોલ્ડ ચેન જાળવવા એક ટકા જથ્થો અનામત રાખવા આવેલ છે. જે પશુઓ બીમાર કે અન્ય કોઈ કારણોસર નિયત સમયગાળામાં રસીકરણથી વંચિત રહી જશે તેમનો રેકોર્ડ રાખીને બાદમાં અચૂક રસીકરણ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
નાયબ પશુપાલન નિયામકશ્રી દીપેશ સિંધલે આ અભિયાનનો મુખ્ય ઉદેશ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પશુધનને ગંભીર ચેપી રોગોથી બચાવી પશુપાલકોને થતા આર્થિક નુકશાનને અટકાવવાનો છે. ખરવા મોવાસા એ પશુઓમાં ઝડપ થી ફેલાતો વાયરસજન્ય ચેપી રોગ છે.
જેના કારણે પશુને તીવ્ર તાવ આવવો, મોઢામાંથી લાળ પડવી, મોઢા અને ખરીમાં ચાંદા પડવા તેમજ પશુ લંગડાવા જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગની માઠી અસરને લીધે દુધાળા પશુઓનાં દૂધ ઉત્પાદનમાં અને બળદોની કાર્યક્ષમતામાં કાયમી ધોરણે ઘટાડો જોવા મળે છે. જો પશુ ગાભણ હોય તો ગર્ભપાત થવાની પણ શક્યતા રહે છે. બીમારી બાદ પણ પશુ ગરમી સહન કરવાની ક્ષમતા ગુમાવી દે છે, જે પશુપાલકો માટે લાંબા ગાળે મોટું નુકસાન સાબિત થાય છે. આ જોખમોને ટાળવા માટે રસીકરણ એક માત્ર અસરકારક ઉપાય છે.



