Rajkot: “૨૭ ફેબ્રુઆરી : વિશ્વ એન.જી.ઓ. દિવસ” રાજકોટનું ઓજસ્વીની ફાઉન્ડેશન : જરૂરિયાતમંદોના જીવનમાં ઓજસ પાથરતી સંસ્થા

તા.૨૬/૨/૨૦૬
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : માર્ગી મહેતા
સેવા પરમો ધર્મ : સરકારી શાળાઓમાં કાર્યરત રામહાટ પ્રોજેક્ટ હેઠળ નજીવા દરે સ્ટેશનરીનું વિતરણ
બરતન બ્રિજ પ્રોજેક્ટ થકી વણવપરાતા વાસણોને ૬૦૦થી વધુ શ્રમિક પરિવારો સુધી પહોંચાડ્યા : સરકારી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડવા સંસ્થા પ્રયત્નશીલ
Rajkot: ૨૭ ફેબ્રુઆરી એટલે ‘વિશ્વ એન.જી.ઓ. દિવસ’, જે સમાજમાં નિઃસ્વાર્થ ભાવે સેવા કરતી સંસ્થાઓના સમર્પણને બિરદાવવાનો દિવસ છે. એન.જી.ઓ. (નોન ગર્વેમેન્ટલ ઓર્ગેનાઈઝેશન) છેવાડાના માનવી સુધી જરૂરિયાતો પૂરી પાડવા અને સુખ-સુવિધાઓ પહોંચાડવાનું સેવાકીય કાર્ય કરતી હોય છે. રાજકોટમાં કાર્યરત ‘ઓજસ્વીની ફાઉન્ડેશન’ આવી જ એક સંસ્થા છે, જેની સ્થાપના પાછળનો વિચાર શિક્ષણ અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો છે.
આ સંસ્થાના ફાઉન્ડર શ્રી હેમલબેન દવે પાસે જ્યારે એક જાતીય સતામણીનો ભોગ બનેલી યુવતી કાઉન્સિલિંગ માટે આવી, ત્યારે તેમને આ સંસ્થા સ્થાપવાનો વિચાર સ્ફૂર્યો. આજે પાંચ ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા ‘અ વે ટુ લાઇફ’ના ધ્યેય સાથે જરૂરિયાતમંદોના જીવનમાં ઓજસ પાથરી રહી છે. આ સંસ્થાએ બાળકોના સર્વાંગી વિકાસ અને પોષણને હંમેશા પ્રાથમિકતા આપી છે. ‘મિલ્ક બ્રિજ’ પ્રોજેક્ટ થકી શ્રમિકોના બાળકોને ગાયનું દૂધ પૂરું પાડી કુપોષણ સામે લડત આપવામાં આવે છે, તો ‘જલારામ ખીચડી’ અને ‘વે ઓફ સેલિબ્રેશન’ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને પૌષ્ટિક ભોજન આપીને, પ્રસંગોની ઉજવણી કરી લોકોને સેવા કરવાની પ્રેરણા આપવામાં આવે છે.
આ સંસ્થાના ટ્રસ્ટી શ્રી સુરભીબેન આચાર્ય જણાવે છે કે, અમે એક સેવાકીય કાર્ય કરીએ, તેમાંથી બીજું કાર્ય કરવાનું સૂઝી આવે છે. શિક્ષણ ક્ષેત્રે આ સંસ્થાનું યોગદાન નોંધપાત્ર છે. ‘રામહાટ’ પ્રોજેક્ટના માધ્યમથી સરકારી શાળાના બાળકોને નજીવી રકમે સ્ટેશનરી અપાય છે, જે હાલમાં મુંજકા અને પડધરી તાલુકાની સરકારી શાળાઓમાં કાર્યરત છે. જ્યારે બાંધકામ સાઇટ પર ‘સંસ્કાર કેન્દ્ર’ અને ‘વાર્તા રે વાર્તા’ જેવા પ્રોજેક્ટ્સ થકી નવી પેઢીમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરી, તેમને વ્યસનમુક્તિ તરફ વાળવામાં આવે છે.
મહિલા સશક્તિકરણ બાબતે પણ ઓજસ્વીની ફાઉન્ડેશન સક્રિય છે. છેવાડાના વિસ્તારોમાં સેનેટરી પેડ વિતરણ અને માસિક ધર્મ અંગે જાગૃતિ ફેલાવીને મહિલાઓના સ્વાસ્થ્યની દરકાર રાખવામાં આવે છે. આ ઉપરાંત, ‘સાડી બ્રિજ’ જેવા અનોખા પ્રોજેક્ટ થકી સંસ્થા જરૂરિયાતમંદ બહેનોને ઘરના શુભ પ્રસંગે વસ્ત્રો પણ પૂરા પાડી તેમના આનંદમાં સહભાગી બને છે. તેમજ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે ‘હસ્તકલા પ્રદર્શન’ દ્વારા તેમને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે, જે નારી શક્તિના ઉત્થાનનું ઉત્તમ ઉદાહરણ છે.
આ સંસ્થા પરંપરાગત-આધુનિક રિવાજ સાથે સામાજિક પ્રશ્નો પર પણ કામ કરે છે. શાળાના બાળકોને ‘ગુડ ટચ-બેડ ટચ’ની સમજ આપી સ્વરક્ષણ માટે સજ્જ કરવામાં આવે છે. સાથોસાથ, ‘બરતન બ્રિજ’ પ્રોજેક્ટ દ્વારા ઘરમાં વણવપરાતા વાસણો એકઠા કરી, અત્યાર સુધીમાં ૬૦૦થી વધુ શ્રમિક પરિવારો સુધી વાસણો પહોંચાડીને સમાજને સંસાધનોના પુનઃ ઉપયોગનો સંદેશ આપવામાં આવ્યો છે. નેત્ર દાન કેમ્પ અને વિવિધ સેમિનારોના આયોજનથી સંસ્થા લોકજાગૃતિનું કાર્ય કરી રહી છે. તેમજ દીકરીઓના જન્મને વધાવવા માટે ‘દીકરી દીપો ભવ’ અંતર્ગત માતા-પિતાનું સન્માન અને નવરાત્રીમાં શ્રમિક બાળાઓનું પૂજન કરતો ‘ગોરણી પ્રોજેક્ટ’ સામાજિક સમરસતા દર્શન કરાવે છે.
શ્રી હેમલબેન કહે છે કે, “જનધન, અટલ પેન્શન અને સુકન્યા સમૃદ્ધિ જેવી સરકારી યોજનાઓની જાણકારી છેવાડાના લોકો સુધી પહોંચે, તે માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહે છે.” હેમલબેન માને છે કે, માનવ સેવા એ કુદરતના આશિષ છે. સેવાના યજ્ઞમાં જોડાયેલા લોકો ખરેખર નસીબદાર છે, કારણ કે સેવાનું ફળ જીવનમાં કોઈને કોઈ રીતે આશીર્વાદ બનીને ચોક્કસ પાછું મળે છે.
આમ, રાજકોટ શહેરમાં આવી અનેક સેવાભાવી સંસ્થાઓ છે, જે ‘સેવા પરમો ધર્મ’ સૂત્રને સાકાર કરે છે. સામાજિક સંસ્થાઓ માત્ર મદદ નથી કરતી, પરંતુ સમાજમાં એકબીજા પ્રત્યેની સંવેદના જીવંત રાખવાનું પવિત્ર કાર્ય કરે છે.










