લાખણી મામલતદાર ને આપ્યું આવેદન પત્ર રાજસ્થાન નાઈ દિકરી દુષ્કર્મ અને હત્યા મામલે

નારણ ગોહિલ લાખણી 
રાજસ્થાન બિકાનેર જિલ્લાના બિજ્જુ તાલુકાના રણજીતપુરા ગામમાં ધોરણ ૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વસુંધરા સેન સાથે થયેલી નૃશંસ હત્યા અને દુષ્કર્મની ઘટનાએ સમગ્ર દેશ સાથે સાથે રાજસ્થાન અને ગુજરાતના નાઈ સમાજમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. આ જઘન્ય ઘટનાના વિરોધમાં વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના નાઈ સમાજના લોકો એકત્રિત થઈ કડક વિરોધ નોંધાવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ મૃતક વસુંધરા પોતાની વાર્ષિક પરીક્ષા આપવા માટે શાળાએ જઈ રહી હતી. એ દરમ્યાન કેટલાક અસામાજિક તત્વોએ તેનો અપહરણ કરી તેના સાથે દુષ્કર્મ જેવી ઘિનૌની હરકત આચરી હતી. ત્યારબાદ માસૂમ બાળકીની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના બહાર આવતા જ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.
લાખણી મામલતદાર કચેરી ખાતે પ્રદર્શન
લાખણી તાલુકાના નાઈ સમાજના આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. સમાજના પ્રતિનિધિઓએ લાખણી તાલુકા પંચાયત કચેરીએ પહોંચી મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું.
સમાજની મુખ્ય માંગણીઓ:
તાત્કાલિક ન્યાય: આરોપીઓને ઝડપી ઓળખી ધરપકડ કરવામાં આવે.
ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી: કેસની ઝડપી સુનાવણી કરી દોષીઓને ફાંસીની સજા આપવામાં આવે.
વિદ્યાર્થીનીઓની સુરક્ષા: પરીક્ષા દરમિયાન શાળાએ જતી વિદ્યાર્થીનીઓ માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે.
પરિવારને વળતર: પીડિત પરિવારને યોગ્ય આર્થિક સહાય અને ન્યાય આપવામાં આવે.
પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી કે જો દોષિતો સામે કડક અને ત્વરિત કાર્યવાહી નહીં થાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. નાઈ સમાજના આગેવાનો જણાવ્યું હતું કે, “આ માત્ર એક દીકરીની નહીં, માનવતાની હત્યા છે. વસુંધરાને ન્યાય ન મળે ત્યાં સુધી સમાજ શાંતિથી નહીં બેસે.”
મળી રહેલી માહિતી મુજબ રાજસ્થાન પોલીસ દ્વારા મુખ્ય આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. વહીવટી તંત્રએ પરિવારને યોગ્ય સહાય આપવાનો વિશ્વાસ આપ્યો છે.




