રાહ CHC ખાતે અત્યાધુનિક લેબ મશીન ભેટ, દર્દીઓને મોટી રાહત

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ થરાદ જિલ્લાના રાહ તાલુકા મથક ખાતે આવેલા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ને બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરણાથી ધી રાહ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. દ્વારા અત્યાધુનિક લેબોરેટરી મશીન ભેટ આપવામાં આવ્યું છે. આ મશીનની કિંમત ₹1,20,310 છે.
શંકરભાઈ ચૌધરીનો પણ દર્દીઓને સુવિધા પૂરી પાડવાનો અભિગમ હોવાથી, તેમની પ્રેરણા અને એસ.ડી.એમ. સાહેબના માર્ગદર્શન મુજબ, દૂધ મંડળી દ્વારા આ મશીન ખરીદીને આરોગ્ય કેન્દ્રને સુપરત કરવામાં આવ્યું છે.
કલેક્ટર નિર્દેશ મુજબ, અધિક કલેક્ટર અને એસ.ડી.એમ. સાહેબે આ મશીનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અત્યાધુનિક બાયોકેમિસ્ટ્રી મશીન દ્વારા SGPT, શરદી, મેલેરિયા, તાવ, કિડની ફંક્શન અને લિવર ફંક્શન જેવા વિવિધ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ કરી શકાશે.
આ સુવિધાને કારણે હવે સ્થાનિક દર્દીઓને લેબોરેટરી ટેસ્ટ કરાવવા માટે બહાર જવું નહીં પડે. આરોગ્ય કેન્દ્રમાં જ તમામ જરૂરી પરીક્ષણો વિનામૂલ્યે ઉપલબ્ધ થશે, જે દર્દીઓ માટે મોટી રાહતરૂપ બનશે.





