GUJARATKHERGAMNAVSARI

ખેરગામ ગૌચર બચાવવા સંઘર્ષ સફળ: બાવળી ફળિયાની પાંચ બહેનોને ન્યાય, એડવોકેટ પરેશ વાટવેચાની નિ:શુલ્ક લડત

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ પંથકમાં ગૌચરની જમીન બચાવવા લડત આપતી પાંચ આદિવાસી બહેનોને ન્યાયાલયમાંથી મોટી રાહત મળી છે. વર્ષ ૨૦૧૯માં ખેરગામના બાવળી ફળિયાની બ્લોક નં. ૧૮૩૮ વાળી ગૌચર જમીન મામલે માપણી દરમિયાન થયેલી માથાકૂટ બાદ કાંતિલાલ સુરતી દ્વારા પાંચ મહિલાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ બહેનો સામે સરકારી ફરજમાં અડચણ, ગાળાગાળી અને મારામારી જેવી ગંભીર કલમો (IPC ૩૨૩, ૩૩૨, ૫૦૪, ૫૦૬(૨), ૧૮૬) હેઠળ ગુનો દાખલ થયો હતો. કેસ ખેરગામ ખાતે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી. આર. પટેલની અદાલતમાં ચાલી રહ્યો હતો.
બચાવ પક્ષના એડવોકેટ પરેશકુમાર એમ. વાટવેચાએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો ઉલ્લેખ કરીને દલીલો રજૂ કરી હતી અને સાબિત કર્યું હતું કે આરોપિત બહેનો નિર્દોષ છે. કોર્ટે દલીલોને ગ્રાહ્ય રાખીને પાંચેય બહેનો—કોકિલાબેન, લીલાબેન, રાધાબેન, મંગીબેન અને નીલાબેન—ને તમામ આરોપોમાંથી મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે એડવોકેટ પરેશ વાટવેચાએ આ કેસ વિનામૂલ્યે લડીને સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચુકાદા બાદ ખેરગામ પંથકમાં ખુશીનો માહોલ છે અને ગૌચર જમીન માટે લડત આપનારાઓમાં નવી આશા જાગી છે. આ નિર્ણયથી ન્યાયતંત્ર પરનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

Back to top button
error: Content is protected !!