
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતનાં ડાંગ જિલ્લામાં દર વર્ષે હોળીના પર્વ નિમિત્તે ઐતિહાસિક ‘ડાંગ દરબાર’ના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.કરોડો રૂપિયાના ખર્ચે યોજાતા આ મેળામાં આદિવાસી સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળે છે.પરંતુ આ વર્ષે આ મેળાના ઉદ્ઘાટન સમારોહમાં આદિવાસી સમાજનું ગૌરવ અને એશિયા કપમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર ‘ગોલ્ડન ગર્લ’ સરિતા ગાયકવાડની ગેરહાજરીએ મોટો વિવાદ છેડ્યો છે. ડાંગના વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવનાર દીકરીની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે આદિવાસી સમાજના નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મેળો માણવા માટે એક સામાન્ય નાગરિકની જેમ પહોંચેલા સરિતા ગાયકવાડે મીડિયા સમક્ષ પોતાના મનનું દર્દ ઠાલવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ડાંગ દરબાર એ ડાંગના લોકો માટે વર્ષો જૂની પરંપરા છે અને તેમને અહીં આવીને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. પરંતુ જ્યારે તેમને ઉદ્ઘાટન સમારોહમાં તેમની ગેરહાજરી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, “ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મને કોઈ પણ પ્રકારનું આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, જેના કારણે હું ઉદ્ઘાટનમાં હાજરી આપી શકી ન હતી.” સરિતા ગાયકવાડના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં તંત્રની કાર્યશૈલી સામે સવાલો ઉઠી રહ્યા છે, કે શું આટલા મોટાપાયે યોજાતા કાર્યક્રમમાં જિલ્લાના આઇકોન સમાન ખેલાડીને ભૂલી જવી એ તંત્રની મોટી ભૂલ છે.બીજી તરફ, આ વિવાદ વધુ વકરતા ડાંગ કલેક્ટર શાલિની દુહાન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવ્યો નથી, અને તમામ નામી-અનામી મહેમાનોને સન્માનપૂર્વક આમંત્રણ અપાયું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કુ. સરિતા ગાયકવાડને વહીવટી તંત્ર દ્વારા વોટ્સએપ પર ઈ-આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી હતી અને ટેલિફોનિક સંપર્ક પણ સાધવા માટે પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના તરફથી કોઈ વળતો પ્રત્યુત્તર મળ્યો ન હતો.હાલમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે કે શું માત્ર ડિજિટલ આમંત્રણ પૂરતું છે, કે પછી આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીને રૂબરૂ મળીને માન-સન્માન સાથે આમંત્રિત કરવા જોઈએ ? હવે સૌની નજર આગામી ૨ માર્ચના રોજ યોજાનારા સમારોહ પર છે. શું વહીવટી તંત્ર પોતાની આ ભૂલ સુધારીને સરિતા ગાયકવાડને યોગ્ય રીતે આમંત્રિત કરી તેમનું સન્માન જાળવશે ? આ પ્રશ્ન હાલ ડાંગની જનતા અને આદિવાસી સમાજના આગેવાનોમાં ચર્ચાઈ રહ્યો છે..





