
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૧ માર્ચ : રામણિયા ખાતે સારસ્વતમ્ સંચાલિત શ્રી કાનજી ઘેલાભાઈ સાવલા હાઈસ્કૂલમાં શુભેચ્છા સમારંભ, એવોર્ડ સેરેમની તેમજ ફૂડ ફેસ્ટિવલ એમ ત્રિરંગી ભવ્ય કાર્યક્રમનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય જયશ્રીબેન ત્રિવેદીએ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરીને કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે બોર્ડ પરીક્ષા આપવાની પ્રેરણા આપી શુભેચ્છાઓ પાઠવી હતી. ધોરણ 10ના વર્ગશિક્ષિકા લક્ષ્મીબેન જસાણીએ પણ વિદ્યાર્થીઓને સફળતા માટે પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ભાવસભર પ્રતિભાવો રજૂ કર્યા હતા. શિક્ષકમંડળે વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.કાર્યક્રમમાં અડાણી ફાઉન્ડેશનના શિક્ષણ વિભાગમાંથી પધારેલ જાગૃતિબેન જોષી વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ રામણિયા ગામના ઉપસરપંચ ઠાકરશીભાઈ દનીચા અને વર્ગ-૨ અધિકારી મુરજીભાઈ મિંઢાણી ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.ત્યારબાદ એવોર્ડ સેરેમની યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અને તેમની વિશિષ્ટ પ્રતિભાને સન્માનિત કરવા વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. ધોરણ 9-A, 9-B, 10 અને 11 માટે “બેસ્ટ સ્ટુડન્ટ”, “બેસ્ટ સ્ટુડન્ટ ઈન ડિસિપ્લિન”, “બેસ્ટ સ્ટુડન્ટ ઈન કલ્ચરલ એક્ટિવિટીઝ”, “બેસ્ટ સ્ટુડન્ટ ઈન આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ” તેમજ વિષયવાર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2025-26 માટે “બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર” એવોર્ડ મહેશ્વરી ડિમ્પલ અશોકભાઈને એનાયત કરવામાં આવ્યો હતો.કાર્યક્રમના અંતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 37થી 38 જેટલી વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. સાઉથ ઈન્ડિયન વાનગીઓથી લઈને પાઉભાજી, ચાઈનીઝ ભેળ, ગુલાબ જાંબુ, રસમલાઈ, પાણીપૂરી, ફાલુદા, ચોકલેટ શેક, લીંબુ શરબત, સિકંજી, મસાલા કોર્ન ચાટ, ડ્રાયફ્રૂટ મોહનથાળ સહિત વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ થયો હતો.મહેમાનો, વિધાર્થીઓ અને શિક્ષકોને આ ત્રિવેણી કાર્યક્રમમાં આનંદ સહ ઉત્સાહનો અનોખો અનુભવ થયેલ હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૃષ્ણાબેન ગઢવીએ કર્યું હતું. જ્યારે આભારવિધિ જયકિશનભાઈ પાંજરીવાલાએ કરી હતી.











