
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતના પ્રથમ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લા તરીકે ઓળખાતા ડાંગમાં આજે એક ચોંકાવનારી ઘટના બની છે. પ્રાકૃતિક ખેતીના પ્રણેતા અને ગુજરાતના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયેલા ‘ખેડૂત પરિસંવાદ’માં તંત્રની બેદરકારી છતી થતાં રાજ્યપાલ લાલઘૂમ થયા હતા.ડાંગ જિલ્લાને રસાયણમુક્ત બનાવવાના સરકારના આહવાન બાદ રાજ્યપાલ સમયાંતરે અહીં ખેડૂતોની મુલાકાત લેતા હોય છે. રવિવારે આયોજિત કાર્યક્રમમાં જ્યારે રાજ્યપાલે ખેડૂતો સાથે સીધો સંવાદ શરૂ કર્યો અને ‘જીવામૃત’ બનાવવાની પદ્ધતિ વિશે પ્રશ્નો પૂછ્યા, ત્યારે મોટાભાગના ખેડૂતો અજાણ જણાયા હતા. ખેડૂતોને યોગ્ય તાલીમ જ મળી ન હોવાનું સામે આવતા સ્ટેજ પર હાજર આત્મા (ATMA), ખેતીવાડી અને બાગાયત વિભાગના અધિકારીઓના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.ખેતીવાડી વિભાગની આ શિથિલ કામગીરી જોઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જાહેર મંચ પરથી જ અધિકારીઓ અને કર્મચારીઓને ખખડાવતા સૂચના આપી હતી કે,ખેડૂત સહાયકોને તાત્કાલિક ધોરણે જીવામૃત બનાવવાની સચોટ તાલીમ આપવામાં આવે.જો કૃષિ સહાયકો યોગ્ય કામ ન કરી શકે અથવા તાલીમ ન આપી શકે, તો તેઓને બદલી દેવામાં આવે.સરકારના અથાગ પ્રયત્નો છતાં પાયાના સ્તરે ખેડૂતો સુધી જ્ઞાન કેમ નથી પહોંચતું, તે અંગે જવાબદારી નક્કી કરવા તાકીદ કરી.રાજ્યપાલના સીધા હસ્તક્ષેપ અને કડક સૂચના બાદ ડાંગ જિલ્લાના વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાકૃતિક ખેતીના નામે માત્ર કાગળ પર ચાલતી કામગીરીની પોલ ખુલી જતાં હવે આગામી દિવસોમાં વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે તાલીમ કાર્યક્રમો યોજાય તેવી શક્યતા છે..




