
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આહવા ખાતે યોજાયેલા ઐતિહાસિક ડાંગ દરબાર મેળામાં જૂની અદાવત અને યુવતી સાથેની વાતચીત બાબતે બે પક્ષો વચ્ચે અથડામણ થતા ચકચાર મચી જવા પામી છે.આ બનાવ અંગે આહવા પોલીસ મથકે બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રથમ ફરિયાદ ગાયખાસ ગામના રહેવાસી અને કોલેજમાં અભ્યાસ કરતા વિશાલભાઈ સીતારામભાઈ ગાયકવાડે નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, તારીખ 02/03/2026 ના રોજ તેઓ તેમના મિત્રો સાથે મેળામાં ફરતા હતા ત્યારે રાત્રિના સમયે પરબડી સર્કલ પાસે સુજલભાઈ સંજયભાઈ ઘુમારે અને તેના સાથીદારોએ તેમને આંતર્યા હતા.આરોપીઓએ અગાઉ પિપલ્યામાળ ગામની વર્ષા નામની યુવતી સાથે ફોન પર થયેલી બોલાચાલીની અદાવત રાખી વિશાલ અને તેના મિત્ર જીતેશ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વિશાલને માથાના પાછળના ભાગે અને જીતેશને નાકના ભાગે ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે સુજલ ઘુમારે અને અન્ય અજાણ્યા ઇસમો વિરૂદ્ધ બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.બીજી તરફ, આહવા પટેલપાડાના રહેવાસી અને મજૂરી કામ કરતા વિશાલભાઈ જોષેફભાઈ પવારે સામી ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ જ્યારે બસ ડેપો પાછળથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બે પક્ષો વચ્ચે ઝઘડો થતો જોઈ તેઓ વચ્ચે છોડાવવા પડ્યા હતા. તે સમયે મારામારી દરમિયાન ગાયખાસ ગામના વિશાલભાઈ સીતારામભાઈ ગાયકવાડે તેમના હાથમાં પહેરેલા કડા વડે હુમલો કરતા વિશાલ પવારને જમણી આંખની બાજુમાં ગંભીર ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત યુવાનને તેના મિત્ર સુજલભાઈએ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. આ મામલે પણ આહવા પોલીસે વિશાલ ગાયકવાડ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલમાં આ બંને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..




