વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવાનાં બંધારપાડા ગામના અજયભાઈ (ડેબે) રાજુભાઈ પવાર નામના યુવકનો મૃતદેહ કાસવદહાડના જંગલમાંથી મળી આવતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ યુવક છેલ્લા બારેક દિવસથી પોતાના ઘરેથી ગુમ થયો હતો અને પરિવારજનો સહિત ગ્રામજનો દ્વારા તેની સતત શોધખોળ કરવામાં આવી રહી હતી. દરમિયાન, કાસવદહાડના વન વિસ્તારમાં અતિશય દુર્ગંધ આવતા સ્થાનિક લોકો તપાસ માટે ગયા હતા, જ્યાં અજયભાઈનો સડેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.આ ઘટનાની જાણ થતા જ સામાજિક કાર્યકર ઝાકીરભાઈ ઝંકાર, સરપંચ હરિચંદભાઈ ભોયે તેમજ ગ્રામ અગ્રણીઓ રમણભાઈ અને હીરામનભાઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિની ખાતરી કર્યા બાદ આહવા પોલીસને જાણ કરી હતી.આહવા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલની ટીમે તુરંત સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લીધો હતો અને પ્રાથમિક તપાસ બાદ તે ગુમ થયેલા અજયભાઈનો જ હોવાનું સ્પષ્ટ થયું હતું. હાલમાં આહવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી, યુવકના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કરુણ ઘટનાને પગલે બંધારપાડા ગામમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.




