DEDIAPADAGUJARATNARMADA

આદિવાસી વિકાસ માટે ફાળવાયેલ બજેટ ખૂબ ઓછું હોવાનો ચૈતર વસાવાનો સરકાર પર આક્ષેપ*

આદિવાસી વિકાસ માટે ફાળવાયેલ બજેટ ખૂબ ઓછું હોવાનો ચૈતર વસાવાનો સરકાર પર આક્ષેપ*

 

તાહિર મેમણ – ડેડીયાપાડા -12/03/2026 – આજે વિધાનસભા ખાતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આજે વિધાનસભામાં આદિજાતિ વિકાસ મંત્રી માંગણીઓ લઈને આવ્યા હતા તો એ ચર્ચામાં મેં ભાગ લીધો હતો. મેં આ દરમિયાન સરકારનું ધ્યાન દોર્યું કે ગુજરાતમાં 1 કરોડ 25 લાખ આદિવાસી લોકો વસી રહ્યા છે અને એમણે પોતાનો પરસેવો પાડીને ગુજરાતના વિકાસમાં યોગદાન આપ્યું છે પરંતુ જ્યારે બજેટની વાત આવી ત્યારે ફક્ત 5425 કરોડની આદિજાતિ વિકાસ ફંડની જોગવાઈ કરવામાં આવી છે, જે ખૂબ જ ઓછી છે. કેન્દ્રીય આયોજન પંચ એવું કહે છે કે 15 ટકા આદિજાતિ વસ્તી સામે 17.57 ટકા ફંડની જોગવાઈ હોવી જોઈએ એની જગ્યાએ ફક્ત 1.35 ટકા બજેટ ફાળવવામાં આવ્યું છે. આના પરથી દેખાઈ રહ્યું છે કે સરકારને આદિવાસી લોકોની કેટલી ચિંતા છે. આજ રીતે 2024-25 માં 4,373 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, અને એમાંથી 3,373 કરોડ જ વાપરવામાં આવ્યા અને બાકી બચેલા 1000 કરોડ ક્યાં પડ્યા છે તેની કોઈ માહિતી નથી. એક બાજુ આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીઓ નથી, સારા રોડ રસ્તા નથી, કુપોષણથી બાળકો પીડાઈ રહ્યા છે. સિકલ સેલની સમસ્યાથી અનેક બાળકો પીડાય છે, આવી અનેક સમસ્યાઓ હોવા છતાં પણ સરકાર આદિજાતિ વિકાસનું બજેટ બીજી જગ્યાએ વાપરે છે. તો એ બજેટ ટ્રાઇબલ સબપ્લાનના માધ્યમથી આદિવાસી લોકો માટે વપરાય એની અમે રજૂઆત કરી છે.

 

વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું હતું કે, એ જ પ્રમાણે ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત અમે ખેડૂતોને ખેતીવાડીના બોર કરી આપતા હતા, દુધાળા પશુઓ આપતા હતા, એ ગુજરાત પેટર્ન યોજનામાં ગત વર્ષે એક હજાર કરોડની ફાળવણી કરવામાં આવી હતી, ત્યારે આ વર્ષે ફક્ત 200 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સાથે સાથે અમે રજૂઆત કરી કે સરકારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં વિદ્યાર્થીઓ છે એમની શિષ્યવૃતિ બંધ કરી છે તો એ શરૂ કરવા માટે અમે માંગ કરી છે. બીજો એક ગંભીર મુદ્દો છે કે આદિજાતિના ખોટા સર્ટિફિકેટ લઈને લાખો લોકોએ નોકરીઓ મેળવી લીધી, કેટલાક લોકો તો ચૂંટણીઓ લડીને વિધાનસભામાં પહોંચી ગયા છે અને ઘણા લોકો શિક્ષણ ક્ષેત્રે એડમિશન પણ લઈ લે છે. 2018માં કાયદો બન્યો, 2021-22માં નિયમો બન્યા, પણ હજુ સુધી આવા લોકોને નોકરીમાંથી, રાજકીય ક્ષેત્રમાંથી કે શિક્ષણમાંથી બહાર કાઢવામાં આવ્યા નથી. ગુજરાત સરકારની વિભાગીય વિશ્લેષણ સમિતિ આવા લોકોને તાત્કાલિક બહાર કાઢે એવી અમે માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!