રક્ષક બન્યો ભક્ષક, પોલીસ કર્મચારીએ MBAની વિદ્યાર્થિની સાથે આચર્યું દૂષ્કર્મ !!!

રાજકોટમાં કાયદાના રક્ષક તરીકે ઓળખાતા પોલીસ વિભાગ સાથે જોડાયેલા એક કર્મચારી સામે ગંભીર આરોપો સામે આવ્યા છે. શહેરમાં અમિત ચૌહાણ નામના પોલીસ કર્મચારી પર MBAની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવાનો આક્ષેપ થયો છે. પીડિતાના જણાવ્યા અનુસાર આરોપી તેના સંપર્કમાં સોશિયલ મીડિયા મારફતે આવ્યો હતો અને ધીમે ધીમે મિત્રતા વધાર્યા બાદ લગ્ન કરવાની લાલચ આપીને તેના વિશ્વાસનો ભંગ કર્યો હતો.
પીડિતાએ જણાવ્યું કે અમિત ચૌહાણ પોતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું કહેતો હતો. શરૂઆતમાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને ત્યારબાદ તેણે લગ્ન કરવાની ખાતરી આપીને સંબંધ બનાવ્યો હતો. પરંતુ જ્યારે લગ્ન અંગે વાત આગળ વધારવાનો સમય આવ્યો ત્યારે આરોપી વિવિધ બહાનાં બનાવીને વાત ટાળતો હતો.
પીડિતાના જણાવ્યા મુજબ અમિત વારંવાર કહેતો કે તેની માતા બીમાર છે અથવા ઘરમાં પરિસ્થિતિ અનુકૂળ નથી, જેના કારણે લગ્ન અંગે નિર્ણય લેવામાં વિલંબ થઈ રહ્યો છે. બાદમાં પીડિતાને જાણ થઈ કે અમિતના પહેલાથી જ લગ્ન થઈ ચૂક્યા છે અને આ વાત તેણે જાણજોઈને છુપાવી રાખી હતી. આ જાણ થતાં પીડિતાએ પોતાની સાથે છેતરપિંડી અનુભવી અને સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો.
આ મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે પીડિતાએ આરોપ લગાવ્યો છે કે ફરિયાદ નોંધાવવા માટે તેને લગભગ સાત દિવસ સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડ્યા હતા. તેના મુજબ જ્યારે તે ફરિયાદ નોંધાવવા પહોંચી ત્યારે પોલીસ સ્ટેશનના PI દ્વારા તેને ખોટી સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પીડિતાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે પોલીસ આરોપીને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. સમગ્ર ઘટનાએ રાજકોટ શહેરમાં ચકચાર મચાવી છે અને હવે પોલીસ વિભાગની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. આ કેસમાં હવે આગળ શું કાર્યવાહી થાય છે તેની પર સૌની નજર છે.



