Rajkot: રાજકોટ જિલ્લામાં ૧.૮૯ લાખ કિસાનોને સીધી બેન્ક ખાતામાં મળી રૂ. ૩૮.૬૬ કરોડની સન્માન નિધિ

તા.૧૩/૩/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતોના કલ્યાણ અને હિત માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી: પ્રવિણાબેન રંગાણી
મિલેટ્સ મેળામાં શ્રીઅન્નની અવનવી વાનગીઓ જોઈને મુલાકાતીઓ આશ્ચર્યમાં
Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે દેશભરમાં પી.એમ. કિસાન સન્માન નિધિના ૨૨મા હપ્તા તરીકે દેશભરના ૯.૩૨ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ.૧૮ હજાર ૬૪૦ કરોડથી વધુની રકમ ડી.બી.ટી. મારફતે જમા કરાવી હતી. આ અવસરે રાજકોટ જિલ્લામાં ૧,૮૯,૩૧૦ લાભાર્થી કિસાનોના ખાતામાં રૂ. ૩૮.૬૬ કરોડની રકમ જમા થઈ હતી. જેના પગલે ખેડૂતોએ આનંદ સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
તરઘડિયાના ત્રિમંદિર ખાતે આજે પી.એમ. કિસાન સન્માન નિધિ અને મિલેટ્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ફાર્મ મિકેનાઈઝેશન યોજના હેઠળ વિવિધ સાધનોની ખરીદી માટે જિલ્લાના ખેડૂતોને સરકારી સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આસામના ગૌહાટી ખાતેથી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી ખેડૂતોને સંબોધન કર્યું હતું. જેનું જીવંત પ્રસારણ અહીં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણીએ ખેડૂતોને કિસાન સન્માન નિધિ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતોના કલ્યાણ અને હિત માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે.
સૌરાષ્ટ્રમાં ભૂતકાળની પાણીની તંગીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજના થકી માતા બહેનોની પાણીની રઝળપાટનું દુઃખ દૂર કર્યું છે અને ખેડૂતોને પણ સિંચાઈ માટે વધુ પાણી મળવા લાગ્યું છે.
તેમણે લોકોને મેદસ્વિતામુક્ત અને તંદુરસ્ત બનવા માટે ખોરાકમાં મિલેટ્સનો ઉપયોગ વધારવા આગ્રહ કર્યો હતો. આ સાથે પ્રાકૃતિક ખેતી કરવા અને વધુ વૃક્ષો વાવવા અપીલ કરી હતી.
આ તકે ખેડૂતોને વિવિધ યોજનાકીય સહાયની જાણકારી મળે તે માટે વિવિધ સ્ટોલ તેમજ મિલેટ્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં શ્રી અન્નની અવનવી ટેસ્ટી વાનગી જોઈને લોકો આશ્ચર્ય પામ્યા હતા.
આ કાર્યક્રમમાં નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) શ્રી વી.પી. કોરાટ, નાયબ બાગાયત નિયામક શ્રી આર.કે. બોઘરા, કે.વી.કે. તરઘડિયાના સિનિયર સાયન્ટિસ્ટ શ્રી એમ.એમ. તળપદા, રિસર્ચ સાયન્ટીસ્ટ શ્રી જી.વી. મારવિયા, શ્રી પી.વી. વેકરીયા, જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.







